ઓસ્ટ્રેલિયાના ભારતીયો અને મોબાઇલ સેવા આપનાર કંપનીઓ

ઓસ્ટ્રેલિયામાં આવ્યાને હજી વધારે સમય થયો નથી એટલે અહિં રોજીંદા લોકજીવનની ઘટનાઓ નવી નવી જ લાગે છે. આજે થોડી અહિંની મોબાઇલ સેવા વિશે નોંધ. ઓસ્ટ્રેલિયામાં મોબાઇલ સેવા આપનારી કંપનીઓ ઘણી છે પણ મોટામાં મોટી ત્રણ જ છે. બાકીની કંપનીઓ આ ત્રણ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરીને સેવા આપે છે.

આ ત્રણ મોટી કંપનીઓ છેઃ

ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા મોટાભાગના ભારતીયો વોડાફોન વાપરતા હોવાનું મારુ અનુમાન છે. આ ત્રણેય મોબાઇલ સેવા આપનારી કંપનીઓની અમુક ખાસીયતો છે.

ટેલ્સ્ટ્રાટેલ્સ્ટ્રા ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી ટેલીકોમ કંપની છે. આખાયે ઓસ્ટ્રેલિયાની બધીજ ગલીઓ, શેરીઓ, ગામડાઓ, શહેરોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે અને લેન્ડલાઇન ક્ષેત્રમાં પહેલા નંબર પર છે. રોડ, દુકાનો કે અન્ય જાહેર સ્થળોએ માત્ર ટેલ્સ્ટ્રાના જ પબ્લિક ટેલિફોન બુથ છે. ધંધાદારી લોકોની પહેલી પસંદ હંમેશા ટેલ્સ્ટ્રા હોય છે. પાછલા થૉડા વર્ષોમાં આ કંપની છુટક ફોન જોડાણના વેચાણ પર ઓછુ તથા મોટા ધંધાદારી જથ્થાબંધ વેચાણને વધુ મહત્વ આપે છે.

વોડાફોનવોડાફોન તથા થ્રી ભારતીયોની પહેલી પસંદ છે. બન્ને એકજુથ કંપનીઓ છે. ભારતીયો આ સેવા વાપરે એટલે ચોક્કસ મફત સેવા જેવું કંઇક હોવું જોઇએ. એ ખાસિયત એટલે વોડાફોનથી વોડાફોન નેટવર્ક પર કોલ “મફત”. ધરના બધા લોકો અને ભારતીય મિત્રો પાસે વોડાફોન હોય એટલે બધું જ “મફત”. અન્ય નેટવર્ક પર ફોન કરવા મોંધા હોય છે પણ જો મોટાભાગના ફોન મફત થતા હોય તો થોડા ફોન અન્ય નેટવર્ક પર કરવા મોંઘા દેખાતા નથી.

ઓપ્ટસઓપ્ટસ એટલે સસ્તા ફોન દરો વાળી સેવા. પણ મફતમાં કોઇ સર્વિસ મળતી નથી. આ કંપની હવે ધંધાકીય સેવા આપવામાં પાવરધી બની રહી છે. ઓસ્ટ્રેલિયાની બીજા નંબરની આ સૌથી મોટી કંપની છુટક ફોન જોડાણ આપવામાં ખુબ આગળ વધી રહી છે. તેમની વેચાણ દુકાનો મોટા શહેરોમાં ખુબ ફેલાયેલી છે. ઓપ્ટસમાં અદ્યતન ફોન, ટેબલેટ જેવી સુવિધાઓ ભરપુર અને સસ્તા દરે ઉપલબ્ધ છે.

મોબાઇલ સેવા ઉપરાંત આ કંપનીઓ હપ્તાથી નવા સ્માર્ટ ફોન, ટેબ્લેટ, ઇન્ટરનેટ, ટીવી ચેનલો અને અન્ય મુલ્યવર્ધિત સેવાઓ આપે છે. મોટાભાગના લોકો આઇફોન અથવા એન્ડરોઇડ સંચાલિત મોબાઇલ ફોન જ વાપરે છે. મોબાઇલ પોર્ટેબિલિટી સેવા અહિં ઘણા વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઓપ્ટસથી વોડાફોન પર સ્થળાંતર થતાં મને માત્ર ૨ કલાક જ થયા હતા એ પણ રજાના દિવસે નહિતર તે ૩૦ મિનિટમાં પણ થઇ જાત.

મોટેભાગે સ્માર્ટફોન પર Facebook, Twitter, FourSquare, LinkedIn અને અન્ય સામાજીક સેવાઓનો વપરાશ મફત હોય છે અને ઇન્ટરનેટ ૧૦૦ એમબી થી લઇને ૪ જીબી સુધી મફત. બસમાં કે ટ્રેનમાં મુસાફરી વખતે લોકો હેડફોનથી સંગીતનો આનંદ માણતા હોય અથવા ઇન્ટરનેટ પર Facebook, Twitter, FourSquare કે LinkedIn જેવી સેવા વાપરવાનો આનંદ માણતા હોય છે. બાજુમાં બેઠેલા સાથે વાતચીત કરીને હેરાન કરવા સારી બાબત ગણાતી નથી.

ઓસ્ટ્રેલિયાના લોકજીવનની વાતો ફરી જરૂર લખીશ.

ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયામાં પરીવાર સાથે આવ્યાને ૬ મહિના થઇ ગયા. આ સમયગાળામાં અહિંના લોકો અને તેમની સાથે સંકળાયેલી સમસ્યાઓનો સારો એવો પરિચય થઇ ગયો. ઓફિસમાં પણ સહ કર્મચારીઓ વિવિધ દેશોના છે. આ બધાની સાથે રહીને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસને જાણવાની તક મળી. જ્યારે ઇ.સ. ૨૦૧૦માં અહિં આવ્યો હતો ત્યારે ટીવીમાં “ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન્સ” (First Australians) નામની દસ્તાવેજી ક્ષ્રેણીના થોડાક ભાગ જોયા હતાં. એ હવે નિરાંતે બધા જ જોઇ લીધા.

First AustralianFirst AustralianFirst Australian

આ ટીવી શ્રેણીઓમાં પ્રાચીન ઓસ્ટ્રેલિયાની ક્રમબધ્ધ વિગતો છે. ઓસ્ટ્રેલિયાના મૂળભુત લોકોને એબોરીજીનલ (aboriginal) તરીકે પણ ઓળખાય છે. આ મૂળભુત લોકો અને યુરોપની વસાહતો વચ્ચે દોસ્તી, દુશ્મની અને સહવસવાટની સત્ય હકિકતો ચિત્રોરૂપે પણ દર્શાવેલી છે. આ સત્ય સમગ્ર દુનિયાથી અજાણ હતું. તેમાં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ પર વિશ્વના સૌથી મોટા બ્રિટીશ સામ્રાજ્યના આધિપત્યની વિગતો આકર્ષક રીતે દર્શાવી છે.

First Australian

આ શ્રેણીની શરૂઆત ૧૭૮૮ ની ૨૬મી જાન્યુઆરીથી થાય છે. જ્યારે બ્રિટીશ વહાણોનો કાફલો સીડની પહોંચે છે. ત્યારબાદ ગવર્નર ફિલીપ અને મુળ રહેવાસી બેનેલોન્ગ (યુધ્ધવીર)ની દોસ્તીથી લઇને ૧૯૯૩માં એડવર્ડ કોઇકિ માબોની ઓસ્ટ્રેલિયાની સરકાર સામેની કાયદાકીય લડત સુધીની વાતોને ખુબ જ રસપુર્વક દર્શાવી છે.

હવે પછીની પોસ્ટમાં ઇતિહાસના ખાસ પ્રસંગોની માહિતી રજુ કરીશ.

સાઉથ બેંક, બ્રિસ્બેન

અમારૂ નવું ઘર સાઉથ બેંક વિસ્તારની નજીકમાં આવેલું છે. આ વિસ્તારની ઘણી ખાસ લાક્ષણિક્તાઓ છે, જ્યારે અમે કોઇને કહીએ કે અમે સાઉથ બેંક વિસ્તારમાં રહીએ છીએ ત્યારે સામેની વ્યક્તિનો પહેલો ઉદ્‍ગાર હોય છે “વા…ઉઉઉ…”. હું કામ પતાવીને ઘરે આવું પછી મોટે ભાગે રોજે રોજ અભિનવને રમાડવા અને એની સાથે રમવા સાઉથ બેંક પાર્કલેન્ડમાં જાઉં છું.

સાઉથ બેંક માટે કહેવાય છે કે બ્રિસ્બેનના લોકો કલા, સંગીત, ફેશન અને સામાજીક જીવનશૈલી માણવા અહિં આવે છે. અહિંના પાર્કલેન્ડમાં લોકો પરિવાર, મિત્રો અને સાથીદારો સાથે નદી કિનારે ઉજાણી મનાવવા તથા શહેરની અંદર આવેલા ઓસ્ટ્રેલિયાના એક માત્ર માનવસર્જીત રેતાળ દરિયા જેવા કિનારે નાહવા અને મોજમજા કરવાં આવે છે. અહિં ત્રણ અલગ અલગ પાણીના પુલ છે, બાળકો માટે ખાસ પાણીમાં રમવાની વ્યવસ્થા છે. લોકો આરામ અને તાજગી માટે પાણીમાં પડ્યા રહે છે તો કેટલાક સૂર્ય સ્નાનની મજા લે છે. જોગીંગ કરનારા અને સાયકલવીરોની આવન જાવન તો ચાલું જ હોય છે. અહિં લોકો ભેગા મળીને બાર્બેક્યુ (Barbecue) પર ભોજન રાંધીને જમતા હોય છે. અમે પણ કોઇ વાર ગરમાગરમ દાબેલી ખાવાની મજા માણીએ છીએ.

અહિંની પ્રખ્યાત લિટલ સ્ટ્રીટ અને ગ્રે સ્ટ્રીટ અત્યાધુનિક બાંધકામ ધરાવે છે વળી વિશ્વભરની વાનગીઓ પીરસતા વિવિધ ભોજનાલયો (રેસ્ટોરન્ટ) છે. અહિં ભારતીય ભોજન આપતા Gandhi Curry House અને Sardar Rasoi પણ છે. અહિં રેસ્ટોરન્ટની બહાર તથા ઝાડ નીચે ટેબલ ખુરશી પર જમવાનું મળે છે જેને Alfresco Dining કહે છે.

રેસ્ટોરન્ટ

અહિં નાના ઘણાં બગીચાઓ છે અભિનવની ઇચ્છા પ્રમાણે અમે અલગ અલગ બગીચાઓમાં હિંચકા, લપસણી, દોડ અને પાણીમાં છબછબિયાં કરવાની મજા કરીએ છીએ. નાના રમતના મેદાનમાં બાળકો બોલ, સ્કૂટર (બાળકોવાળું રમકડાનું), સાયકલ, ઊડતી ડીસ્ક અને રગ્બી જેવી રમતો રમતા હોય છે. થોડાક વિસ્તારમાં વરસાદી જંગલો, રસ્તાની આજુબાજુ આકર્ષક અને સુશોભન કરેલી લોખંડની કમાન છે.

બગીચો

અહિં વાંચનાલયમાં અસંખ્ય પુસ્તકો અને સીડી સુવિધા ઉપરાંત બાળકોને મનપસંદ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. સ્ટેટ મ્યુઝીયમ (સંગ્રહાલય) માં આદિવાસી સંસ્કૃતિના ઉદ્‍ભવ, વિકાસ અને તેમના જીવનને લગતાં વિવિધ સાધનો છે. આ સંગ્રહાલય મને સાપુતારાના આદિવાસી સંગ્રહાલયની યાદ અપાવે છે. ગઇ વખતે અમે ગયા ત્યારે માનવસંચાલિત હરતાં ફરતાં ડાઇનાસોર જોયા હતા, અભિનવ અને તેના જેવા અન્ય નાનાં બાળકો ખુબ જ ડરી ગયા હતા. ગુજરાતના સંગ્રહાલયોમાં આ પ્રયોગ અનુકરણ કરવા લાયક છે. પર્ફોર્મીગ આર્ટસ સેંટરમાં રોમિયો-જુલીએટ નાટક માર્ચ-૨૦૧૨ માં છે. સાઉથ બેંક સિનેપ્લાઝામાં હિન્દી ચલચિત્રો (ફિલ્મો) લાગતા નથી. નદી કિનારે બ્રિસ્બેન વ્હિલ (ચકડોળ) છે જે વાતાનુકુલિત સુવિધાવાળું અને અંદર બ્રિસ્બેન વિશેની માહિતી સાંભળી શકાય છે. બાજુમાં નેપાળી મંદિર (પેગોડા) અને કન્ફ્યુસિયસનું પૂતળુ છે. અહિં આધુનિક સુવિધાવાળું ઓપન એર થિએટર (Suncorp Piazza) છે જેમાં સાંસ્કૃતિક કાર્યકમો અને આપણા ગુજરાતીઓના ગરબાનું આયોજન પણ થાય છે. બ્રિસ્બેન કન્વેશન અને એક્શીબીશન સેંટર સેંટર, મેરીટાઇમ મ્યુઝીયમ (સંગ્રહાલય), સાયન્સ સેંટર, ગ્રિફીથ યુનિવર્સિટી, મોર્ડન આર્ટ ગેલેરી વગેરેની મુલાકાત લીધી નથી.

ડાઇનાસોર

અહિં વાર તહેવારે સાંસ્કૃતિક કાર્યક્રમો થતાં રહે છે, નદી કિનારે આકાશમાં આતશબાજી, ફાઇટર જેટ વિમાનો, નદીમાં લોકો નાની હોડી(kayak)માં નૌકાવિહાર અને નવા વર્ષની આતશબાજી વગેરે વગેરે.

આતશબાજી

ઓસ્ટ્રેલિયાની નિવૃત્તિ વ્યવસ્થા એટલે સુપર અથવા સુપરએન્યુએશન

વિશ્વની સૌથી મોટી નાણાંકિય સોફ્ટવેર બનાવતી કંપનીમાં કામ કરતાં કરતાં ઘણા વર્ષો પસાર થઇ ગયા. આ સમયગાળા દરમિયાન અમેરિકાની નિવૃત્તિ યોજના ૪૦૧(કે) અને સંલગ્ન યોજનાઓ પર કામ કરવાનો અનુભવ મળ્યો. ત્યાર બાદ કંપનીએ મને ઓસ્ટ્રેલિયાની નિવૃત્તિ યોજના “સુપર” વિશે કામ કરવાનો મોકો આપ્યો. આ વિષયની સંક્ષિપ્ત માહિતી નીચે આપેલી છે.

સુપર એટલે નાની ઉંમરના કમાણીના વર્ષો દરમિયાન થોડા થોડા નાણાં ભેગા કરવા જેથી નિવૃત્તિ વખતે મોટું નાણાંભંડોળ બને. સુપર ઓસ્ટ્રેલિયાની નિવૃત્તિ વ્યવસ્થા છે, તેમાં નિવૃત્તિ સુધી નાણાં જમા અથવા ઉપાડ કરવાના નિયમો અને નિયમિત નિવૃત્તિ વેતનના નિયમોનો સમાવેશ થાય છે.

કર્મચારી જ્યારે કામની શરૂઆત કરે ત્યારે નોકરીદાતા (employer) તે કર્મચારી (employee)ના સુપર ખાતામાં નાણાં જમા કરવાની શરૂઆત કરે છે. આવા ઘણા કર્મચારી ખાતાઓના નાણાંથી સુપર માટેનું નાણાંભંડોળ બને છે. આ નાણાંભંડોળનો ઉપયોગ શેરબજાર, જમીન-મકાન જેવી સ્થાવર મિલકત, સરકારમાન્ય અન્ય સુસંચાલિત નાણાંભંડોળમાં રોકાણ માટે કરવામાં આવે છે. આ પ્રકારના માન્યતા પ્રાપ્ત સુપર નાણાંભંડોળનું સંચાલન ખાસ તજજ્ઞો દ્વારા કરવામાં આવે છે અને સરકાર તરફથી આવા નાણાંભંડોળને કરરાહત વધુ મળે છે.

ઓસ્ટ્રેલિયામાં વસ્તીની સરેરાશ ઉંમર વધતી જાય છે તેથી સરકાર દ્વારા આ યોજનાથી દરેક નાગરિકોને  નિવૃત્તિ સમયે જરૂરી નાણાંભંડોળ અને ઊચ્ચ જીવનધોરણ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં છે.

સુપર કઇ રીતે કાર્ય કરે છે તે નીચેના મુદ્દાઓથી જાણી શકાય છે.

  • સુપર એટલે શુ અને કેવી રીતે કાર્ય કરે છે?
  • તમારી સુપર યોજના લક્ષ્ય મુજબ કાર્ય કરે છે?
  • તમારી સુપર યોજનાનું નિયમિત અવલોકન.
  • સ્વઆયોજીત સુપર
  • નિવૃત્તિ વેતનનું આયોજન
  • નિવૃત્તિમાં આવકના સ્ત્રોતો

આ પ્રકારની નિવૃત્તિ વ્યવસ્થા પશ્ચિમના દેશો જેવાકે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, નોર્વે, ચીલી, કેનેડા વગેરેમાં ઘણા વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં પણ હવે નવી પેંશન યોજના (NPS) ચાલુ થઇ ગઇ છે.

લોન પાઇન કોઆલા અભયારણ્ય

રજાના દિવસોમાં જો કોઇ કામ ન હોય તો અમે લોન પાઇન કોઆલા અભયારણ્યની મુલાકાત લઇએ છીએ. અત્યાર સુધીમાં અમે ત્રણેક વાર મુલાકાત લીધી છે. દર વખતે અમે અલગ અલગ મિત્રો સાથે ગયા હતા.

બસઃ બ્રિસ્બેન સીટી કાઉન્સીલની બસ ક્રમાંક ૪૩૦ ક્વિનસ્ટ્રીટ બસમથક B4 અને બસ ક્રમાંક ૪૪૫ એડીલેઇડસ્ટ્રીટ બસમથક ૪૦ થી જાય છે.
નૌકાવિહારઃ મિરિમાર નામની નૌકા(ક્રુઝ) કલ્ચરલ સેન્ટર પાસેથી જાય છે.

બસની ટિકીટ અન્ય વિકલ્પો કરતાં સસ્તી છે એટલે અમે દર વખતે બસમાં જ મુસાફરી કરી હતી.

આ અભયારણ્યની સ્થાપના ૧૯૨૭ માં થઇ હતી. તેમાં ૧૩૦ થી પણ વધુ કોઆલા આવેલા છે. નિયત સમયને અંતરે અહિંયા પ્રાણીઓનું પ્રદર્શન દેખાડવામાં આવે છે.

Barn Animals encounter – ગમાણ-તબેલામાં રહેતા પ્રાણીઓ:

Barn Animalsઅહિં ઘેટાં-બકરાં, વિશાળ મહાકાય જંગલી ભુંડ, મરઘાં અને તેનાં બચ્ચાં, નાનાં કદનાં ઘોડાં રાખ્યા હતા. આ નાનાં ઘોડા સિવાયના બધાંજ પ્રાણીઓ ભારતમાં રસ્તાં ઉપર રોજે રોજ જોવા મળે છે. દરેક પ્રાણીઓને અલાયદા ઘરમાં રાખવામાં આવ્યા હતા. મરઘીના બચ્ચાઓ માટે ગરમાવો મળે એટલા માટે ખાસ વ્યવસ્થા કરેલી હતી. અભિનવ અને નાના બાળકોને તેમની સાથે રમવાની અહિં ખરેખર મજા પડી. અહિં ગીનીપિગ પણ હતા.

Koala presentation – કોઆલા સાથે મુલાકાત:

કોઆલામુખ્ય પ્રદર્શન વિસ્તારમાં કોઆલા વિષેની બધીજ માહિતી વિસ્તારપૂર્વક દેખાડવામાં આવી. કોઆલાનું ધ્યાન રાખનાર પરિચારક તેની દૈનિક પ્રવૃત્તિ અને રીતભાત દર્શાવી. કોઆલા શાકાહારી હોય છે, મોટે ભાગે તે નીલગીરીના પાંદડાઓ ખાતુ હતુ. અહિં કોઆલા પર યુનિવર્સિટી દ્વારા વિવિધ સંશોઘન પણ થાય છે. આ પ્રદર્શન બાદ કોઆલા સાથેય ફોટા પડાવી શકાય છે, જેની ૨૦ ડોલરની અલગ ટિકીટ છે.

Bird of Prey Free Flight Show – શિકારીપક્ષી પ્રદર્શન:

શિકારી પક્ષી બાજશિકારી પક્ષી

આ અભયારણ્ય્નુ ખુબ જ રોમાંચક પ્રદર્શન છે. અહિં શિકારી પક્ષીની ઊડાન અને તેમને નજીકથી ઊડતાં જોવામાં મજા પડી. અહિં ઘુવડ, ગરુડ અને બાજ જેવા શિકારી પક્ષીઓ ખુબ નજીકથી જોઇ શકાય છે. ઘણી વાર તેઓ આપણને અડકીને કે ઘસડાઈને રોમાંચક રીતે ઊડે છે. નાનાં બાળકો આવા પક્ષીઓને હાથ પર બેસાડીને ઊંદરનું ભોજન કરાવતા હતા. આ પક્ષીઓ સાથે ફોટા પડાવી શકાય છે અલબત્ત ૨૦ ડોલરની ટિકીટ લઇને.

Scales & Tail Presentation – સાપ અને મગર પ્રદર્શન:

Snakeઓસ્ટ્રેલિયામાં આવેલા વિવિધ પ્રકારનાં સાપ વિશે અહિં માહિતિ આપવામાં આવી. એક લાંબો બિનઝેરી સાપ મુખ્ય પ્રદર્શન વિસ્તારમાં લાવીને તેની વિસ્તૃત માહિતી આપવામા આવી. અહિં બહાદુર વિરલા અને વિરલીઓ સાપને અડકી, પંપાળી અને ગળામાં વિંટાળે છે. ખાસ તો સાપ કરડે તો શું કરવું તે પણ માહિતી મળી. વિશ્વના ઝેરી સાપોમાના મોટાભાગના ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

Kangaroo display – કાંગારૂ દર્શન:

કાંગારૂકાંગારઓ

ઓસ્ટ્રેલિયામાં આવીને કાંગારૂ ન જોયા હોત તો જ્ન્મારો એળે ગયો કહેવાય. અહિં મેદાનમાં ૩૦ જેટલા કાંગારૂઓ કુદકા મારતા અને રમતા હતા. તેમને હાથમાં ખાવાનું ખવડાવી અને પંપાળીને રમાડવાની મજા પડી. અહિં બધી પ્રજાતિના કાંગારૂઓ હતા. બાળકાંગારૂ મમ્મીની કોથળીમાંથી અચરજપૂર્વક વિચિત્ર માણસોને જોતાં હતા.

Platypus Feed & Keeper Presentation – પ્લેટીપસ પ્રદર્શન:

પ્લેટીપસ એક સસ્તન પ્રાણી છે. તે બચ્ચાઓને જન્મ આપતું નથી પણ ઇંડા મૂકે છે. તેને અહિં ખાસ બનાવેલા કાચમાંથી જોઇ શકાય તેવા પાણીના હોજમાં મુકવામાં આવ્યું છે. તેના જન્મથી લઇને મૃત્યુ સુધી સંપૂર્ણ માહિતિ પ્રોજેક્ટર પર દર્શવવામાં આવે છે. પ્લેટીપસનું હાડપીંજર પણ અહિં અભ્યાસ માટે મુકેલું છે.

Tasmanian Devil Feed & Keeper Presentation – ટાસ્માનિયન ડેવિલ પ્રદર્શન:

ટાસ્માનિયન ડેવિલટાસ્માનિયન ડેવિલએ ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી અને નાના કુતરા જેવું હોય છે. હાલમાં તેની વસ્તી ભયજનક રીતે ઘટી રહી છે. વર્તનથી તે ખુબ ઝગડાખોર હોય છે અને તેનો અવાજ પણ ભયંકર હોય છે, તે ખાતી વખતે ખુબજ અવાજ કરતુ હતું. તેનાં દાંત ખુબ જ તીક્ષ્ણ અને જડબાં મજબુત હોવાથી ડેવિલ કહેવાય છે. આ પ્રાણી લુપ્ત થવાની આરે છે. તેમની જાળવણી માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યાં છતાં સફળતા મળી નથી.

Sheep Dog  & Sheep Shearing Show – ઘેટાં ચરાવતાં કુતરાઓનું પ્રદર્શન:

ઘેટાં ચરાવતાં કુતરાઘેટાં ચરાવતાં કુતરાઆ પ્રદર્શનમાં પ્રશિક્ષણ આપેલા કુતરાઓ માલિકના ઇશારા પ્રમાણે બધાંજ ઘેટાંઓને નિયત કરેલી જગ્યાએ લઇ જાય છે, પુલ પાર કરાવે છે, વાડામાં દાખલ કરાવી અને હારબધ્ધ ઊભા રાખે છે. ૩ મહિના ગલુડીયાઓને આશરે ૬ થી ૯ મહિના પ્રશિક્ષણ બાદ આવા કાર્યમાં પારંગત બનાવવામાં આવે છે. અંતમાં આ કુતરાઓ સાથે મફતમાં ફોટો પડાવ્યો. આ કુતરાઓએ મને તેમની લાંબી લચક જીભ વડે મજેદાર પપ્પી પણ કરી.

Wild Lorikeet Feeding - લોરિકીટ (પોપટ) ભોજન:

લોરિકીટલોરિકીટલોરિકીટલોરિકીટ એ એક જંગલી પોપટની રંગબેરંગી જાત છે. દરરોજ તેમને બે વાર ભોજન આપવામાં આવે છે. આ પોપટ ખુબ જ અવાજ-કલબલાટ કરતા ખાતા હતા. તેમનો ખોરાક ખાસ પ્રકારનો ફળોનો બનેલો હોય છે. તેમને ખાવા માટે ખાસ પ્રકારનું વાસણ હાથમાં પકડીને અમે સૌથી પહેલા બીજા નાના બાળકો સાથે ઊભા રહી ગયા. દિવસના અંતે આ પ્રદર્શન બાદ બધોજ થાક ઊતરી ગયો.

આ સિવાય અન્ય પ્રાણીઓ જેવા કે ગરોળી, કાચબા, મગર, સાપ, ડિંગો, ચામચીડિયા, વોમ્બેટ, ઇમુ અને વિવિધ પક્ષીઓ પણ હતા. વિશ્વની લાંબી અને મોટી ગરોળીમાંની એક અહિં પણ છે.

ઇમુ

કાંગારૂ ભોજનઘુવડ

ગરોળીટાસ્માનિયન ડેવિલની માહિતી

લોન પાઇન કોઆલા અભયારણ્ય

અમે તો ખાવાનું ઘરેથી બનાવીને લઇ ગયા હતા. અહિંના રેસ્ટોરન્ટની આજુબાજુ ઘણા બધા કોઆલા બેસીને ઊંઘતા ઊંઘતા ખાતાં હતા તેમની સાથે બેસીને આલુ પરોઠાં અને બિરયાની ખાવાની મજા પડી. ટર્કી નામનું રખડેલ પક્ષી પણ અમારી સાથે ખાવામાં જોડાઈ ગયું હતું.

વેબસાઈટઃ http://www.koala.net

ક્વિન્સલેન્ડર ઘર

બ્રિસ્બેનમાં પરિવાર સાથે આવ્યા બાદ પહેલા તો હંગામી ધોરણે હોટેલમાં અને પછી ભાગીદારીમાં ૩ મહિના માટે વૈભવી મકાનમાં રહ્યા. ત્યાર બાદ નવા ઘરની શોધ ઇન્ટરનેટ વેબસાઇટ www.realestate.com.au પર કરી. ધણા બધા ઘર જોયા બાદ એક સુંદર ક્વિન્સલેન્ડર ઘર સાઉથ બ્રિસ્બેન વિસ્તારમાં ગમ્યું અને અરજી પણ મંજુર થઇ ગઇ. ધરમાં રહેવા આવ્યા બાદ આ પ્રકારના ધરનો ઇતિહાર જાણ્યો.

મારૂ ક્વિન્સલેન્ડર ઘર

ક્વિન્સલેન્ડર સ્થાપત્યનું ઘર ઓસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધ વિસ્તારનું એક ખાસ પ્રકારનું ઘર હોય છે. આવાં ધરો ઉત્તરીય વિસ્તારોમાં અને ન્યુ સાઉથ વેલ્સમાં પણ જોવા મળે છે. જે લાકડાંના થાંભલાઓ ઉપર બાંધેલુ હોય છે અને એક અથવા બે માળનું હોય છે. ઘરનો પ્રવેશદ્વાર લાંબા ઢાંકેલા વરંડાવાળો હોય છે. આ પ્રકારના ઘર પાછળનું મુખ્ય પરિબળ છે અહિંનુ વાતાવરણ. ઊનાળામાં અહિં દિવસ લાંબો હોય છે અને દિવસના અંતે ધોધમાર વરસાદ પણ પડે છે. આવી પરીસ્થિતીમાં ઘરની બહાર આવેલા છતવાળા આવા વરંડા ધણાં ઉપયોગી નીવડે છે. વરંડાએ ઓસ્ટ્રેલિયાની જીવનશૈલીનો અનિવાર્ય ભાગ છે. સુશોભન કરેલી થાંભલીઓની હારમાળા, છાજલીઓ અને વિવિધ સ્તંભોએ ઉષ્ણકટીબંધ પ્રકારના ઘરોની ખાસીયત છે જે ઘરની અંદર અને બહારના વિસ્તારને અલગ પાડે છે.

ક્વિન્સલેન્ડર ઘર

અમારા ઘરની નીચે ભુતકાળના ભાડૂઆતોનો વધારાનો સામાન, ૫ ટીવી, પલંગ, સાયકલો આવેલી છે. વોશીંગ મશીન ૩ ડોલર (૧ ડોલર x ૩) નાખવાથી ચાલે છે. મનમાં ગણતરી કરી ૩ ગુણ્યા ૫૦ એટલે ૧૫૦ રૂપિયા એક વાર કપડાં ધોવાનાં? ના હોય…

નાનું ક્વિન્સલેન્ડર ઘર

ક્વિન્સલેન્ડર ઘર જમીનની ઉપર થાંભલાઓ પર હોવાથી હવા નીચેથી દાખલ થાય છે તેથી ઘરમાં ઠંડક જળવાઇ રહે છે. પુર્વકાલિન યુરોપના વાતાવરણ કરતાં આ ઘણું જ અલગ હોવાથી અહિંના લોકોએ ઘણી જ સહજતાથી આ જીવનશૈલી અપનાવી છે. આ બધી લાક્ષણીક્તાઓને લીધે આ ઘર એ ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ સ્વરૂપ બન્યું છે. આ પ્રકારના મોટાભાગના ઘરો ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં બન્યા હતા અને હજું પણ અસ્તિત્વ ધરાવે છે. જમીન અને બાંધકામની કિંમતોમા વધારો થવાથી આવા ઘરો તોડીને નવાં ઇંટોના ઘર બનાવાય છે. ૭૦ અને ૮૦ ના દાયકાઓમાં આ પ્રકારના સ્થાપત્યની મહત્વતા જણાઇ અને લોકોએ તેની જાળવણીની શરૂઆત કરી.

લાંબુ ક્વિન્સલેન્ડર ઘર

આ પ્રકારના મકાનનો જાળવણી ખર્ચ પણ વધારે હોય છે પણ ફાઇબર સિમેન્ટ, ઊચ્ચ કક્ષાના રંગોને લીધે હવે આવા ઘરો પ્રચલિત થયાં છે. ઘરની આંતરિક રચનાઓમાં ફેરફાર કરીને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને દિવાલો અને છતને અવાહક પદાર્થોથી બનાવવામાં આવે છે. ઊર્જા કાર્યક્ષમ રીતોને લીધે તથા બારી-બારણાંની સ્થાપત્ય કલાને લીધે હવા ઉજાસ જળવાઇ રહે છે. આંતરિક સંરચનાઓમાં ફેરફારથી કુદરતી પ્રકાશ મળે છે અને બિનજરૂરી ગરમી અગત્યના ઓરડાઓમાંથી દૂર કરી શકાય છે.

નવીનતમ ક્વિન્સલેન્ડર ઘર

અમારા ઘરની પાછળના ઢોળાવવાળા વરંડામાં barbeque અને કપડાં સુકવાની ખાસ પ્રકારની ્છત્રી જેવી વ્યવસ્થા છે.

દોડઃ બ્રિસ્બેન નદીની આસપાસ

આ વખતે નવાં વર્ષ ૨૦૧૨ માટે સંકલ્પ કર્યો કે રોજ સવારે દોડવા જવું. મારાં ધરની બાજુમાં જ આવેલી વિશાળ બ્રિસ્બેન નદીને કિનારે કિનારે દોડવીરો માટે ખાસ માર્ગ બનાવેલા છે. મારી જેમ જો કોઇ ત્યાં આવતાં હોય તો મને સંપર્ક કરવા વિનંતિ.

Brisbane River Walk

Brisbane River Walk

શહેરની મધ્યમાં દક્ષિણ બ્રિસ્બેન વિસ્તારમાં આવેલી બ્રિસ્બેન નદીની આસપાસ ખાસ દોડવા અથવા ચાલવા માટે ત્રણ દોડમાર્ગ ત્રણ રંગોમાં યોજનાબધ્ધ રીતે બનાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ તંદુરસ્તી માટે દોડનારા અને મેરેથૉન દોડવીરો પણ કરે છે. દરેક દોડમાર્ગ પર અંતરની માહિતી પ્રશિક્ષણ માટે ઉપલબ્ધ હોય છે.

Brisbane River Walk

Brisbane River Walk

આ દોડમાર્ગ રંગબેરંગી સાઉથ બેન્ક, કાંગારૂ પોઇન્ટના ખડકો, ગુડવીલ અને સ્ટોરી બ્રિજ પરથી પસાર થતો અદભુત રસ્તો છે.

Brisbane River Walk

બ્રિસ્બેન નદી દોડમાર્ગએ સાઉથ બ્રિસ્બેન કોર્પોરેશન અને બ્રિસ્બેન સિટી સંસ્થાન વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ માર્ગ જેવા બીજા માર્ગો રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડ અને રોયલ બોટાનીકલ ગાર્ડનમાં પણ આવેલા છે.