ગોલ્ડ કોસ્ટના દરિયાકિનારે વ્હેલ દર્શન

ગઇ ૧૫મી ઓગષ્ટના રોજ બ્રિસ્બેન શહેરમાં ઇક્કા ડે નિમિત્તે જાહેર રજા હતી. પારિવારીક મિત્રો ગોપાલ રાથી, નેહા રાથી અને બેબી તનુશ્રી રાથીએ ગોલ્ડ કોસ્ટના દરિયા કિનારે વ્હેલ દર્શન માટે આમંત્રણ આપ્યું હતું એટલે એક દિવસ પહેલા જ વ્હેલ દર્શન માટે ઓનલાઇન ટીકિટ નોધાવી રાખી હતી. ભારતના સ્વાતંત્ર દિવસની સવારે ૭ વાગે મોબાઇલથી ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી દિવસની શરુઆત કરી. ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે બ્રિસ્બેનના સાઉથ બેંક સ્ટેશનથી જવાની હતી. સવારનો નાસ્તો (શિરામણ) કરી ઉત્સાહ અને ઉત્સાહમાં તૈયાર થઇ સવા દસે તો સ્ટેશન પર પહોંચી ગયો. ટ્રેન સ્ટેશન પર ૪૦-૫૦ લોકો હાજર હતા, મોટા ભાગના ટીનએજ-યુવાન છોકરા-છોકરીઓ એકબીજાને ચીટકી વાતોના વડાં અને ગમ્મતગુલાલ કરતા હતા અને રજાના દિવસનુ આયોજન કરીને સ્કેટબોર્ડ/સાયકલ/સર્ફબોર્ડ સાથે નીકળ્યા હતા. નાના ટેણીયાઓ બાબાગાડીમાં સુતા સુતા મજા માણતા હતા. ટિકીટ મશીન પર ક્રેડિટ કાર્ડથી ટ્રાવેલ કાર્ડ રિચાર્જ કરાવી લીધું. મારા જેવા ઘણાં લોકો કાં તો સ્માર્ટ ફોન અથવા ટેબલેટ પર સોસીયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ કે સંગીત કે વાંચનનો આનંદ માણી રહ્યાં હતા. મોટાભાગના લોકોના હાથ/પગ/કમર/પીઠ/પેટ/છાતી પર અદ્યતન રિવાજ મુજબ છુંદણા (ટેટું) છુંદાવેલા સુંદર લાગતા હતા. એટલાંમા ટ્રેન આવી એટલે અવલોકન પુર્ણ.

રાથી પરિવારના સભ્યો પહેલેથી જ આગળના સેન્ટ્રલ સ્ટેશનથી બેસીને આવ્યા. વાતાનુકુલિત ટ્રેનમાં રજાનો દિવસ હોવા છતાં ગોલ્ડ કોસ્ટ તરફ જતી વખતે જુજ જગ્યાઓ ખાલી હતી. ટ્રેનમાં નિયત અંતરે સુરક્ષા કેમેરા લાગેલા હતા અને આગળના સ્ટેશનની માહિતી એનાઉન્સ થતી ઉપરાંત ડિસપ્લે બાર પર દેખાતી રહેતી. મુસાફરી સાઉથ બેંકથી ગોલ્ડ કોસ્ટના નેરંગ સ્ટેશન સુધી એક કલાક કરવાની હતી. ત્રણ વર્ષની તનુશ્રી વાતોના વડાં કરવામાં ભારે હોંશિયાર. “રામાયણ”, “હમ સાથ સાથ હે” અને પુસ્તકાલયના ફ્રેન્ડ્ઝ વાતો કરવા માટે તલપાપડ જ હોય. મેં પણ થોડી થોડી વારે “અચ્છા”, “ઓકે”, “ઓહ”, “વાઉ” જેવા શબ્દો બોલીને પ્રોત્સાહન ચાલુ રાખ્યું. તનુશ્રીએ તો ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી, અંતાક્ષરીના ગીતોની રમઝટ બોલાવી નાખી. તેની વાતો સાંભળતાં સાંભળતાં નેરંગ આવી પહોચ્યું. ટ્રેન સ્ટેશની બહાર બસ સ્ટેશન હતું અને ૧૦ મિનિટમાં બસ આવી. નેરંગથી સર્ફર્સ પેરેડાઇઝ સુધી ૩૦ મિનિટની  મુસાફરી વાતાનુકુલિત બસમાં શરુ કરી. ગોલ્ડ કોસ્ટ વિસ્તારમાં ચારેય બાજુ ઊંચી ઊંચી ઇમારતો, દરિયાઇ ખાડીઓ, રમતગમતના ખુલ્લા મેદાનો, સ્ટેડિયમ અને લીલાછમ બગીચાઓ અદ્યતન બાંધકામ સાથેના જણાયા.

ગોલ્ડ કોસ્ટ

ગોલ્ડ કોસ્ટની દરિયાઇ ખાડી

અમારા નૌકાવિહારને હજી ૧ કલાકની વાર હતી. એટલે અમે દરિયાકિનારે ઉપડ્યા. સર્ફર્સ પેરેડાઇઝના વિશાળ રેતાળ દરિયા કિનારે લોકોને સુરક્ષિત રેખાંકન કરેલી જ્ગ્યાએ પાણીમાં નહાતા, સર્ફબોર્ડ પર સર્ફિંગ કરતા અને સુર્યસ્નાન કરતા જોયાં. આકાશમાં જોયરાઇડ માટે હેલીકોપ્ટર ઊડતા હતા. આ ઓસ્ટ્રેલિયાનો પુર્વોત્તર દિશાનો દરિયા કિનારો હતો. પુર્વ દિશાની ક્ષિતિજ તરફ સાઉથ અમેરિકા ખંડ જ આવે વચ્ચે માત્ર દરિયો, કોઇ ટાપુ પણ ના આવે. નેહા ઘરેથી સ્વાદિષ્ટ ખાવાનું પણ લાવી હતી, હું ફળફળાદી, ગાર્લિક બ્રેડ અને કચોરી લઇ ગયો હતો. દરિયાકિનારે નયનરમ્ય (ગોગલ્સ પહેરીને) ભોજનની મજા પડી. તનુશ્રીએ તો રેતીમાં રાજમહેલ, ઘર અને કિલ્લા બનાવવાનું શરુ કરી દિધું હતું. એક બાજુ દરિયો અને બીજી બાજું બહુમાળીય મકાનો વચ્ચે દરિયાકિનારે આંખોને ટાઢક વળે તેવા ચારેય બાજુના ફોટા લીધા. નજીકમાં જ બીચ વોલીબોલનું રેતાળ મેદાન હતું ત્યાં ઘોંધાટ વધારે હતો. રમતમાં વધારે ખબર ના પડી પણ એકંદરે જોવાની અને બુમો પાડવાની મજા આવી. ટ્રાવેલ સિકનેસ ન થાય તે માટેની દવાઓ પણ ખાઇ લીધી.

વ્હેલ્સ ઇન પેરેડાઇઝ ક્રુઝ

વ્હેલ્સ ઇન પેરેડાઇઝ ક્રુઝ

દોઢ વાગે હવે અમે ટિટાનિયમ બાર પાસેની ખાડીમાં પાર્ક કરેલી વ્હેલ્સ ઇન પેરેડાઇઝ નામની નાનકડી ક્રુઝમાં બેસવા પહોચ્યા. અહિં મુક્ત આકાશ નીચે આવેલા સ્વાગત ક્ષેત્રમાં જઇને મેં માત્ર નામ જણાવ્યું અને  સફેદ વસ્ત્રોમાં સજ્જ હેડન નામના ખલાસીએ અમને ક્રુઝમાં બેસવા જણાવ્યું. ના કોઇ ટિકીટ જોઇ બસ નામ જ કાફી હતું. તેના માટે અમારા નામ ફોરેનર્સ જેવા હતા. એ કદાચ અમારી જ રાહ જોતો હતો. ક્રુઝના દરવાજા પર શ્વેત વસ્ત્રોમાં આકર્ષક મારીયા જાણે મને વર્ષોથી ઓળખતી ના હોય એટલા બધા  ઊમળકાથી સ્વાગત કર્યું. ક્રુઝમાં ઉપરના માળે કેપ્ટન સાથે ૧૦ વ્યક્તિઓને બેસવાની જગ્યા હતી. બાળકોની સેના કેપ્ટનની આજુબાજુમાં પહેલેથી જ બેસેલી હતી. નીચેના માળે ૩૦ વ્યક્તિનોની જગ્યા હતી. ક્રુઝના આગળના ભાગમાં ડેક ઉપર ૨૦ વ્યક્તિઓ ઊભા રહી શકે તેમ હતા. બેસતાની સાથે જ તનુશ્રીએ વ્હેલ, ડોલ્ફીન, ફિશ, સી ટર્ટલ ક્યારે/કેમ/ક્યાંથી આવશે અને શું કરશે તેવા ભારે અધરા સવાલો પુછાવાનું શરુ કર્યું. ગોપાલ અને નેહાના જવાબોથી એ બિલકુલ ખુશ ના થઇ એટલે હવે મને સવાલો પુચ્છા. મેં પણ તેને સમકક્ષ કક્ષાના જવાબો આપ્યા એટલે એ શાંત થઈ. એટલામાં ક્રુઝ ચાલુ થઇ. મારીયાએ હવે કોમેન્ટ્રી પણ શરુ કરી. દરીયાની ખાડીની આજુબાજુના આલીશાન મકાનો પૈસાદાર લોકોના તથા જગમશહુર દેશી વિદેશી નટ-નટી(ફિલ્મ સ્ટાર)ઓના હતા. અમુક ઘરની બહાર હેલીકોપ્ટર અને પ્રાઇવેટ ક્રુઝ પાર્ક કરેલા હતા. કેપ્ટન અને હેડન થોડી થોડી વારમાં જોક્સ પણ કહેતા. એ ફેંકુઓને આસપાસના બધા જ ધરોની કિમત ખબર હતી. માત્ર મિલિયન્સ અને ટ્રિલિયન્સ ડોલરમાં જ વાતો કરતા હતા. અંતમાં પાછા બોલ્યા પણ ખરા કે આ બંગલા ખરીદનારાઓ કે રસ ધરાવનારાઓ તેની (નાનકડી) ક્રુઝમાં બેસતા નથી. અડધા કલાકમાં અમે ખાડીમાંથી દરિયામાં પહોંચી ગયા. વ્હેલ આશરે કિનારેથી ૩ થી ૫ નોટીકલ માઇલના અંતરે હશે તેમ હેડને જણાવ્યું. ક્રુઝ પણ હવે પુર રફ્તારમાં ભાગવા લાગી. એટલામાં થોડી ડોલ્ફીન માછલીઓ કદાચ ક્રુઝના અવાજને લીધે કુદકા મારવા લાગી. હેડન વોકીટોકી પર બીજા લોકો સાથે વાત કરતો જણાયો અને તેણે કહ્યું કે વ્હેલ ૪ નોટીકલ માઇલના અંતરેથી પસાર થાય છે. ત્યાં બીજા ક્રુઝવાળા પહેલાથી જ વ્હેલ દર્શન કરતા હતા. તેમની નજીક ગયા બાદ અમારા ક્રુઝનું એન્જીન બંધ થયું અને લોકો ચારેય બાજુ જોવા લાગ્યા. મારીયાએ એનાઉન્સ કર્યું કે વ્હેલ ૫૦ મીટરને અંતરે છે અને વ્હેલ માછલી દરિયાની સપાટી પર આવીને આળોટવા માંડી. આ અત્યંત રોમાંચક ઘટના હતી જેમાં અમે સાક્ષાત વ્હેલને દરિયામાં રમતી જોઇ. પછી ત્રણ નાની મોટી વ્હેલ સપાટી પર આવીને કુદકા મારતી અને ફુવારા પણ ઊડાડતી. ક્રુઝમાં લોકો ખુશીથી ચિચિયારીઓ પણ પાડવા લાગ્યા. થોડી વારમાં વ્હેલ પાણીમાં ગયા પછી દેખાઇ જ નહીં. ફરી ચારેય બાજુ શોધાશોધ થવા લાગી પણ વ્હેલ દેખાઇ નહી. આખરે હવે અમે ઉપડ્યા ફરી ૧ નોટીકલ માઇલ દુર જ્યાં વ્હેલ હોવાના સમાચાર હતા.

દરિયામાં ક્રુઝ

દરિયામાં ક્રુઝ

મારીયાએ હવે ખુબ જ રસપ્રદ માહિતિ પીરસવાનું શરુ કર્યું અને વચ્ચે વચ્ચે સવાલો પણ પુછતી રહેતી. તેણે વ્હેલના હિજરતની વાત શરુ કરી. આ વ્હેલ માછલી છેક એન્ટાર્ટિકાથી હજારો માઇલની મુસાફરી કરીને ઓસ્ટ્રેલિયાના ઉત્તરપુર્વીય ક્ષેત્રની ગ્રેટ બેરીયર રીફ પાસે બચ્ચાને જન્મ આપી મોટા કરવા આવે છે. એન્ટાર્કટિકામાં અતિશય ઠંડી હોવાને કારણે તે અહિં હુંફાળુ વાતાવરણ અનુકૂળ આવે છે. ક્વિન્સલેન્ડમાં પણ  સામાન્ય રીતે મે મહિનાથી લઇને ઓક્ટોબર સુધી આ વ્હેલ માછલીઓનું પરિભ્રમણ ચાલુ હોય છે. અત્યારે વ્હેલ એન્ટાર્કટિકા તરફ જઇ રહી હતી. અહિં આવતી વ્હેલની બે-ત્રણ જાતોની ખાસિયત વિશે પણ મારિયાએ માહિતિ આપી. આમ તો વ્હેલ અવાજ પ્રત્યે ખુબ જ સતર્ક હોય છે પણ અહિં તેને ડર લાગતો નથી અને અવાજની દિશામાં આવીને અવલોકન કરે છે. વ્હેલના શિકારનું મુખ્ય કારણ તેનામાંથી મળતું તેલ છે. વ્હેલનુ મહત્તમ આયુષ્ય આશરે ૫૦ વર્ષનુ હોય છે. વ્હેલના સંરક્ષણની ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી છે અને છેલ્લા દસ વર્ષમાં અહિંથી પસાર થતી વ્હેલની સંખ્યા બમણી થઇ ગઇ છે. અહીં વ્હેલ સાથે તરવાની પણ સખ્ત મનાઇ છે પણ અમુક ટાપુઓની (તાહિતિ) આસપાસ પાણીમાં માર્ગદર્શન હેઠળ તરી શકાય છે. વ્હેલ સુતી વખતે અડધું મગજ બંધ કરી દે છે અને અર્ધજાગ્રત અવસ્થામાં જોખમનું ધ્યાન રાખે છે. નર વ્હેલ માદા વ્હેલને આકર્ષવા/રોલા મારવા/સોટ્ટા પાડવા/લાઇન મારવા ખાસ જાતની વ્હિસલ વગાડે છે, જેનો અવાજ વધારે મધુર (વ્હેલ જાણે) તેની મહેનત ફળે છે. આ ઉપરાંત માદા વ્હેલ ગર્ભધારણ કરે પછી નર વ્હેલ ફરી બીજી માટે વ્હિસલ વગાડવાનુ શરુ કરે છે.

વ્હેલ દર્શન ગોલ્ડ કોસ્ટ

વ્હેલ દર્શન ગોલ્ડ કોસ્ટ

હવે થોડા કંટાળેલા અને નવરા થયેલા લોકો ફોટોસેશન કરવામાં મશગુલ થયાં ત્યાં જ બે યાત્રીઓએ બુમ પાડીને જણાવ્યું કે ક્રુઝની પાછળ ૧૦૦ મીટરના અંતરે વ્હેલ છે. ક્રુઝ રોકાઇ ગઇ અને ચારેક વ્હેલ દરિયાની સપાટી પર પડખાં ફેરવતી હોય તેમ આળોટવા લાગી. ચારેય બાજુ કેમેરા અને વિડિયો શુટીંગ ચાલુ થઇ ગયા. એ બધીજ અમારા ક્રુઝની નીચેની તરફ સરકી ગઇ અને બીજી બાજુ ક્રુઝની એકદમ નજીકમાં જઇને હવાંમાં ફુવારા છોડવા લાગી. અમારી મુસાફરીનો આ અત્યંત રોમાંચક ભાગ હતો. લોકોએ મન ભરીને ફોટા અને વિડિયો ફિલ્મ ઉતારી. પંદરેક મિનિટ પછી ધીરે ધીરે વ્હેલ દુર દુર જવા લાગી અને બધી જ ગુમ થઇ ગઇ. આ અમારા વ્હેલ દર્શનનો અંત ભાગ હતો. સાડા ચાર વાગે કેપ્ટને જણાવ્યું કે હવે આપણે પાછા જઇશું અને વળતી મુસાફરી શરુ થઇ. માર્ગમાં ઘણી નાની નાની હોડીઓ વ્હેલ દર્શન કરતી જણાઇ જેમાં બે વ્યક્તિઓની જ ક્ષમતા હતી. તે બધી પ્રાઇવેટ હોડીઓ હતી. સરકાર દ્વારા પરવાનગી લઇ વ્હેલ  સંશોધન માટે અહિં આવી શકાય છે. હવે બધા જ થાકી ગયેલા જણાતા હતા. રસ્તામાં એકલ દોકલ ડોલ્ફીન અમારી ક્રુઝની આજુબાજુ કુદકા લગાવતી રહેતી. ક્રુઝની અંદર ખાવાપીવાની વ્યવસ્થા હતી લોકોએ કોફી, ચોકલેટ્સ અને વેફર્સનો ભરપુર લાભ ઉઠાવ્યો. મારીયાની આજુબાજુ બાળકો વીંટળાઇને ડેક ઉપર વ્હેલ વિશેના સવાલ જવાબની રમત રમવા લાગ્યા. ક્રુઝમાં નિયત અંતરે સ્પીકર્સ લાગેલા હતા તેથી બાળકોના સવાલ જવાબની રમત સાંભળવાની મજા પડી. વ્હેલનુ આયુષ્ય કેટલું હોય? તેનો જવાબ બે વર્ષની બેબીએ આપ્યો ૧ મિલિયન વર્ષ અને આખાય ક્રુઝમાં હસાહસ થઇ ગઇ. અડધો કલાકમાં અમે દરિયામાંથી ખાડીમાં પહોંચ્યા. કેપ્ટને બધાને જગ્યા પર બેસવાનો સૌને અનુરોધ કર્યો. હવે બાળકો કેપ્ટનની આજુબાજુ વીંટળાયા, કેપ્ટને વારાફરથી ક્રુઝનું સુકાન સાંભાળવાનું કહ્યું અને બાળકોને ક્રુઝ ડ્રાઇવીંગ શીખવાડવા લાગ્યો. ક્રુઝ થૉડી વાંકીચુકી પણ સુરક્ષીત ચાલતી હતી. છેવટે ક્રુઝ પાર્કિંગ થવાની સાથે જ અમારી મુસાફરી પુર્ણ થઇ. લોકોએ તાળીઓ પાડીને કેપ્ટન અને ક્રુ સભ્યોનો આભાર માન્યો.

ગોલ્ડ કોસ્ટ સુર્યાસ્ત

ગોલ્ડ કોસ્ટ સુર્યાસ્ત

છ વાગે અમે મોલ અને શોપીગ સ્ટ્રીટ પર આંટાફેરા મારી ઇન્ડીયન રેસ્ટોરન્ટમાં ભરપુર ભોજન ઝાપટ્યું, પછી બસ અને ટ્રેન પકડી ઘરે રવાના થયા. વળતી મુસાફરીમાં દરમિયાન નવી ટ્રેનમાં ફ્રિ વાઇ-ફાઇ પણ હતું એટલે બધાય ફેસબુક પર મંડ્યા. હવે મુસાફરીનો થાક ઘણો લાગવા માંડ્યો હતો પણ એકંદરે મજા પડી ગઇ.

વિડીયો જોવા અહીં ક્લિક કરો.

4 thoughts on “ગોલ્ડ કોસ્ટના દરિયાકિનારે વ્હેલ દર્શન

  1. નિરવ ની નજરે . . !

    અમિતભાઈ આપની સાથે અમે પણ ફરી લીધું , ખુબ જ મસ્ત & ડીટેઈલ્સ થી ભરપુર ! ઘણા સમય બાદ આપે પોસ્ટ આપી .

    દરિયામાં સફરે માત્ર એકવાર જ જવાનું બન્યું છે , ડીસેમ્બર માસમાં આવતા નેવી દિવસના અનુક્રમે , જયારે નેવીના બે યુદ્ધજહાજ પોરબંદર આવે છે અને તે દિવસ પુરતી પ્રજાને તેને જોવા તથા તેમાં સવારી કરવાનો લહાવો મળે છે ! That was might be INS TALAWAR .

  2. પિંગબેક: ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s