મધુશાળા પ્રવાસ

બ્રિસ્બેનમાં નવી નોકરી મળી ત્યારે કાર્ય, વિઝા, નિવૃત્તિ યોજના, આવકવેરો તથા પરીવારને લગતા ઘણાં માહિતીપત્રકો ભર્યા. એમાં ઓફિસના સામાજીક મંડળ (સોશીઅલ ક્લબ)માં જોડાવાની મરજીયાત દરખાસ્ત પણ હતી અને તેમાં જોડાવવા માટે દર મહિને ૧૦ ડોલર ફી ભરવાની. ભારતમાં આમ તો કોઇ પણ સામાજીક મંડળ કે સંસ્થાનો ખાસ અનુભવ નહોતો છતાં વિદેશી સામાજીક મંડળમાં જોડાવવાનો નિર્ણય કર્યો, એ બહાને થોડી વિદેશી સામાજીક સેવા થાય. આ મંડળ તરફથી પહેલું આમંત્રણ એક દિવસીય વાઇનરી ટુરનું મળ્યું. જેનું અર્થઘટન કર્યું “મધુશાળા પ્રવાસ” (આભાર હરિવંશરાય બચ્ચન), કારણ કે મારામાટે આ નવીન અનુભવ અને નવું જાણવાનો ઉત્સાહ હતો. થોડો થોડો અંદાજ આવવા લાગ્યો કે આ મંડળની (ઓસ્ટ્રેલિયન) સામાજીક પ્રવૃત્તિઓ કેવી હશે.

Mini Bus

મિની બસ

રવિવારે સવારે ૯.૪૫ વાગે ઓફિસ પાસે મિનીબસ તૈયાર જ હતી. અમારે જવાનું હતું સિરોમેટ વાઇનરી. આ એક દિવસીય પ્રવાસનું આયોજન ન્યુઝીલેન્ડ નિવાસી મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળના સભ્યો તેમના મિત્રોની ફી ભરીને લાવી શકે તેવી વ્યવસ્થા હતી. મોટાભાગના સભ્યો તેમના સાથી મિત્રો સાથે આવ્યા હતા, એટલે ઓળખીતા ઓછા અને અજાણ્યા લોકો બસમાં વધુ દેખાતા હતા. અમારી બસમાં આખી દુનિયાભરના પચરંગી લોકો હતા. લોકો પરીવાર સાથે ફ્રેંચ, જર્મન, ઇટાલીયન અને અન્ય યુરોપીયન ભાષા બોલતા હતા. એક મિત્ર એમના સાસુને સાથે લઇને આવ્યા હતા. બ્રિસ્બેન શહેરથી આ વાઇનરી પહોંચતા માત્ર ૪૫ મિનિટનો જ સમય લાગ્યો. રજાનો દિવસ હોવા છતાં એકંદરે ભીડ ઓછી અને વાદળછાયું વાતાવરણ આહલાદક લાગ્યું.

Wine drums

વાઇન પીપડા

પહોંચતાની સાથે જ વાઇનરીના કર્મચારી અને મેનેજરે અમારા મંડળને વાઇન ટુરની રૂપરેખા આપી અને કાર્યક્રમ સમજાવ્યો. બધાયને એક ગ્લાસમાં થોડી વાઇન આપી અને વિવિધ પ્રકાર અને સ્વાદની વાઇન ન ચખાઇ જાય ત્યાં સુધી ગ્લાસને હાથમાં જ રાખવાની સુચના આપી. ત્યાર બાદ મેનેજર અને અન્ય બે કર્મચારીઓ અમને વાઇન ચાખવા માટેના એક ખાસ ખંડમાં લઇ ગયા જ્યાં અમને આઠ પ્રકારની વાઇન ચાખવાનો મોકો મળ્યો. આ દરેક વાઇન ક્યારે, કેવા ભોજનની સાથે, કેવા વાતાવરણમાં, ક્યા સમયે, કેવી રીતે પીવી તેની ખુબ જ ઊંડાણપુર્વક માહિતી આપી. મજાની વાત એ હતી કે અમારા મંડળના સભ્યોએ પણ વાઇનને લગતાં ઘણા સવાલો પુછ્યા. અહીં ઘણા બધા મોટા મોટા પીપડાઓમાં વાઇનને હવા ચુસ્ત રીતે બંધ કરીને સંઘરવામાં આવી હતી. આ વાઇનને જેમ લાંબો સમય સંધરવામાં આવે તેમ તેનો સ્વાદ વધુ સારો અને કિંમત પણ વધારે થાય. બે વર્ષથી સંઘરેલ વાઇનના પીપડા પણ જોયાં. મેનેજરે દ્રાક્ષની વાવણીથી લઇને વાઇન બોટલમાં બંધ થાય ત્યાં સુધીની બધી જ વાતો ખુબ સરસ સમજાવી.

Wine Bottles

સિરોમેટ વાઇન બોટલ

આ વાઇનરીને દેશ વિદેશના ઘણા એવોર્ડ મળી ચુક્યા છે. અહીં વાઇનને વેચવાના ઘણાં કિમીયા પણ જોયાં. વાઇનની બોટલો પર તમારી કંપનીનું નામ લખાવો. કર્મચારીઓને ઇનામ આપો. ખાસ પ્રસંગ અને ઉદ્‍ઘાટન માટે લિમીટેડ ઉત્પાદન. ઇનામ, સંદેશ કે અંગત લોગો સાથે ખરીદીની કરવાની સુવિધા. જો તમારે ક્લબ, મંડળ, નિશાળ માટે ચેરીટી, ઇનામ, એવોર્ડ, ટીમની જીત, જન્મદિવસ, લગ્નતિથી, સગાઇ, નિવૃત્તિ સમારોહ માટે મોટો ઓર્ડર આપો તો કિંમતમાં ખાસ છુટછાટ. ખાસ ફોટા સાથેનું લેબલ. વાઇનરીના ખાસ (ગોલ્ડ/સિલ્વર/પ્લેટીનમ) સભ્ય બનો તો ત્રિમાસિક અમુક ડઝન બોટલ ઘર બેઠા મળે એવી પરીયોજના. અહીંના સમાજમાં વાઇનરી એક પીકનીક સ્થળ સમાન છે. જીવનમાં આવતા વિવિધ પ્રસંગોની જેમ વાઇન બનાવવાના દરેક તબક્કાને વાઇનરીમાં ઉત્સવની જેમ ઊજવાય છે. અને હા જેવો ઉત્સવ તેવી ફી – કોઇ બાંધછોડ નહીં. દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની વાઇન ખુબ પ્રખ્યાત છે અને ચીનમાં આ વાઇનનું ઘણું મોટું બજાર છે. અહીંયા પણ લોકોને ખબર છે કે ભારતમાં વાઇન ઉત્પાદનનું મુખ્યધામ એટલે નાસિક.

બપોરના ભોજનની વ્યવસ્થા અહીંયા જ હતી અને અમારે ભોજન માટે થોડી રાહ જોવાની હતી. એટલે મંડળના લોકોએ આજુબાજુ નજર દોડાવી અને ઢાળ પરથી લપસણી ખાવાની રમત શોધી કાઢી. કેટલાક દાદા દાદીઓ અને તેમના સંતાનો લાંબી આરામ ખુરશી ઢાળીને આરામથી સુતા હતા. નાના બાળકો માટે હીચકા અને અન્ય સાધનો હતા, અમુક બાળકો અમારી સાથે લપસણીની રમત રમવામાં જોડાઇ ગયા.

મુખ્ય ઓફિસ અને ફેક્ટરીની આજુબાજુ દ્રાક્ષના ખેતરો આવેલા હતા. આ ઋતુમાં હજુ દ્રાક્ષના વેલા નાના હતા. આ ખેતરોની વચ્ચે ખાસ લગ્ન મંડપ બનાવેલો હતો. લોકો વાઇનરીમાં સગા વ્હાલા અને મિત્રોની હાજરીમાં લગ્ન પણ કરતા હોય છે. આ ઢોળાવવાળા ખેતરોમાં કાંગારૂઓ ઘાસ ખાતા હતા અમે દુરથી ફોટા પાડ્યા અને નજીક જવાની સાથે જ તેઓ ઠેકડા મારતા મારતા ભાગી ગયા. ચારેય બાજુનો નજારો ખુબ જ નયનરમ્ય હતો. થોડી વારમાં અહીં સંગીત અને ગાયનનો કાર્યક્રમ શરૂ થયો અને લોકો વાઇનનો આનંદ માણતા-માણતા ઝુમવા લાગ્યા. ઢોળાવોવાળા મેદાનોમાં સમયાંતરે સંગીતના ભવ્ય કાર્યક્રમો થતા હોય છે.

This slideshow requires JavaScript.

ખાવાનું હવે તૈયાર હ્તું. અમારા ભોજન માટે ખાસ તંબુ બાંધેલો હતો. અમે પહેલાથી જ શાકાહારી ભોજનની માંગણી કરેલી હતી તેથી તેમણે શાકાહારી પીઝા, સમોસા, રાઇસરોલ, સલાડ અને બર્ગરની વ્યવસ્થા કરી હતી. ખાવાનું ખુબ જ સ્વાદિષ્ઠ હતું અને સાથે સાથે વાઇનનો સહારો તો હતો જ. હવે વાઇન ચાખવાની ન હતી પણ ગટગટાવવાની હતી. વાઇનની અસરમાં બધાજ જોર જોરથી વાતો કરતાં અને મોટે મોટેથી ફાલતુ જોક્સ પર હસતા હતા. કોણ કેવા અસલી સંસ્કાર ધરાવે છે તેની ખબર વાઇનની ઘેરી અસર થયા પછી જ થાય છે. કેટલીક બાઇમાણસો એક જ ઘુંટડામાં કેટલી વધારે વાઇન પી શકાય તેવી શરતો પણ લગાવવા લાગી. જતાં જતાં સંગીતના તાલે લોકો નાચવા લાગ્યા હતા. અમુક મિત્રોએ વાઇનની બોટલો ઘર માટે ખરીદી લીધી. એકંદરે મોજ મજા, આનંદ પ્રમોદથી મધુશાળા પ્રવાસ પુર્ણ થયો અને અમે ઘર તરફ પાછા ફર્યા.

વધુ ફોટાઃ http://www.flickr.com/photos/ozamit/sets/72157631951504279/show/

વધુ વિડીયોઃ યુટ્યુબ વેબસાઇટ

10 thoughts on “મધુશાળા પ્રવાસ

 1. pravinshastri

  અમિતભાઈ અમેરિકામાં બેઠા બેઠા બ્રિસ્બેનની મોજ માણી. મોં ખોલ્યા વગર મધુપાન કર્યું. મગજમાં સારો એવો નશો ચડ્યો છે. વેજીટેરિયન વાનગીનો સ્વાદ પણ બંધ મોં એ વાગોળ્યો. ભાઈ લખતા રહો.
  પ્રવીણ શાસ્ત્રી.

 2. aataawaani

  અમિતભાઈ મેં પણ તમારા સૌ ની સાથે વાઈ નરી પ્રવાસ માણ્યો હોય એવું અનુભવ્યું .તમારી લખવાની રીત મને બહુ ગમી સાથે ફોટા બતાવવાની રીત પણ વખાણવા લાયક કહેવાય .સાચેજ હું તમારી સાથે વાઈનરી પ્રવાસમાં હોત તો તમારા જેવા કોકજ સમજી શકત,છતાં હું એક શેર લલકારત કે गलत है जाम दिलोको क़रार देता है,, वोतो पिने वालोंको बे मोत मार देता है

 3. Lalit Kumar Parikh

  Enjoyed your this as well as other articles.I have visited Brisbaine,when I had taken a tourof Australia for 18 days and nineteen nights with Kesari Tours and Travels.I am so much pleased to read your wonderful Gujarati.You should write stories also.Thanks for reading my stories on my blog:-lalitparikh.wordpress.com
  With Love,blessings and Prayers fro your 82 years young friend……
  Lalit Parikh

 4. પિંગબેક: ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો | પટેલ પરિવાર

 5. પિંગબેક: નિકોલ હોલોસ | પટેલ પરિવાર

 6. પિંગબેક: બ્લૉગ ભ્રમણની વાટે… ૪૭,૪૮,૪૯,૫૦ « વેબગુર્જરી

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s