ક્વિન્સલેન્ડ રાજ્ય પુસ્તકાલય અને વિકિમીડિયા

સ્યુ ગાર્ડનર

સ્યુ ગાર્ડનર, ઍક્ઝીક્યુટીવ ડાયરૅક્ટર, વિકિમીડિયા (સૌજન્યઃ વિકિમીડિયા)

ફોર્બ્સ મેગેઝીનના સર્વેક્ષણમાં દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાંની એક સ્યુ ગાર્ડનર બ્રિસ્બેનના રાજ્ય સરકાર સંચાલિત પુસ્તકાલયમાં એક રૅડીયો કાર્યક્રમમાં ફેબ્રુઆરી-૨૦૧૩માં આવ્યા હતા. તેમની પાસે કાર્ય આધારીત મર્યાદિત સમય હતો પણ મારી પાસે કામકાજ સિવાય વધારે સમય હતો એટલે અમે બેય રૅડીયો કાર્યકમમાં હાજર હતા. સ્યુબેન વિકિમીડિયા ફાઉન્ડૅશનના ઍક્ઝીક્યુટીવ ડાયરૅક્ટર છે. તેમની બ્રિસ્બેન મુલાકાત ખાસ હેતુ સભર હતી. વિકિપીડિયા અને પુસ્તકાલય વચ્ચે વાઇબ્રન્ટ ઍમ.ઑ.યુ. કરવાના હતા કે અહીંના પુસ્તકોમાં રહેલી અઢળક વાંચન સામગ્રી, ચિત્રો, વિડીયૉ વગેરેને ઑનલાઇન કરી વિકિપીડિયા પર દર્શાવવા.

સ્યુ ગાર્ડનર

સ્યુ ગાર્ડનર (સૌજન્યઃ http://www.slq.qld.gov.au)

સાંજે ૬ વાગે કાર્યક્રમ હતો વિકિવાળા સ્વયંસેવકો પુસ્તકાલયના દરવાજેથી જ સેવા માટે તૈયાર હતા. રૅડીયો સંચાલક રીચાર્ડ કાર્ય સ્વભાવગત ઉત્સાહી અને હદકરતાં વધારે બકબકીયો હતો. તેણે સ્યુબેનને તેમના ૮૦૦૦ ની વસ્તીવાળા કેનેડા દેશના ગામડાથી લઇને વિશ્વના વિવિધ દેશોના પ્રવાસ અને અનુભવો વિશે સવાલે પુછ્યા. સ્યુબેને પણ તેમના પરિવારથી લઇને વિકિપીડિયા સુધીની મુસાફરી વિશે રસિક જવાબો આપ્યા. તેમણે એ પણ જણાવ્યું કે વિકિપીડિયામાં સ્ત્રીઓનું યોગદાન અત્યંત ઓછું છે. ચીનમાં વિકિપીડિયા પર પ્રતિબંધ છે પણ ચીન બહાર વસતા સ્વયંસેવકો મંડારીન ભાષામાં લખાણ કરે છે જેથી ભવિષ્યની પેઢી તેમને વાંચી શકે. તેમને પોતાને ખબર નથી કે આજે કેટલા સ્વયંસેવકો, સંપાદકો વિકિપીડિયા સાથે સંકળાયેલા છે કારણ કે રોજેરોજ તે વધતા રહે છે. ૨૮૦ જેટલી (અથવા વધારે) ભાષાઓમાં વિકિ ઉપલબ્ધ છે. અલગ અલગ સર્વર બૅકઅપ આખાય અમેરીકામાં છે. રીચાર્ડ વારંવાર સ્યુબેનને વિશ્વની ગ્રંથપાલ તરીકેનું ઉદ્‍બોધન કરતો હતો (ચોક્કસ વિકિપીડીયા પર વાંચીને આવ્યો હશે). એકંદરે કાર્યક્રમ આનંદદાયક અને માહિતીસભર રહ્યો.

ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન આપનારા સર્વે લોકોને ભગીરથ કાર્ય બદલ દંડવત પ્રણામ. ભવિષ્યમાં વિકિ પર યોગદાન આપવાનું આયોજન કર્યું છે.

1 thoughts on “ક્વિન્સલેન્ડ રાજ્ય પુસ્તકાલય અને વિકિમીડિયા

અભિપ્રાય આપો.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.