ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો

કાંગારૂ, ઇમુ અને વસાહતીઓના દેશ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં વિવિધ પ્રકારના દેશી ભારતીય લોકો રહે છે. ભારતમાં જેમ રાજ્ય, ભાષા, ધર્મ, પ્રાંત, કામકાજ, જાતિવાદને આધારે અલગ અલગ ભારતીયો હોય તેમ ઓસ્ટ્રેલિયામાં પણ કાગડા કાળા જ છે. ભારતીય લક્ષણો અને ગુણધર્મો સિવાયના અન્ય જેમ કે ભારતીય ભારતીયો, ફિજી ભારતીયો, અંગ્રેજ ભારતીયો, આફ્રિકાના ભારતીયો, અમેરીકાના ભારતીયો, ન્યુઝીલેન્ડના ભારતીયો. લધુમતી ભારતીયોમાં કનેડાવાળા અને એશિયન ભારતીયો પણ ખરા. એશિયન એટલે બહોળા અર્થમાં મોંગોલોઇડ દેખાવવાળા દેશ જેવા કે મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોરના ભારતીયો. આ સિવાય વિદ્યાર્થી ભારતીયો, કાયમી રહેણાંક (પી.આર.)વાળા ભારતીયો, માન્યતા પ્રાપ્ત હુન્નરવાળા ભારતીયો (વિઝા ક્રમાંક ૪૫૭), શરણાર્થી ભારતીયો – જેમાં મોટેભાગે શ્રીલંકાના તમિળભાષી લોકો. વળી ઓસ્ટ્રેલિયાની નાગરિક્તા ધરાવતા ભારતીયો સાથે સાથે જેઓ પોતાની જાતને ભારતીય નથી ગણતા કે ગણાવતા એવા ભારતીયો. ગોરાલોકોના મત મુજબ પાકિસ્તાની, નેપાળી, બાંગ્લાદેશી અને શ્રીલંકાવાળા બધા જ ઇન્ડિયન (ભારતીય) ગણાય.

જ્યારે દેશ છોડીને આ પારકી ધરતી પર પગ મુકેલો ત્યારે ખીસ્સામાં ફૂટી કોડી તો શું પુરા ૫૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર પણ નહોતા. માત્ર ૪૯૦ ડોલર લઇને સાથે બ્રિસ્બેન શહેરમાં આવેલા (બાકીના પ્લાસ્ટીક મની હતા – ફૉરેન કરન્સી કાર્ડમાં). પછી તો આ શહેરમાં રાત-દિવસ એક કરી નાખ્યા (કેસિનો, સાલ્સા ડાન્સ, પાર્કલેન્ડ પ્રવાસ, ગોલ્ડકોસ્ટ પ્રવાસ, ધાર્મિક સ્થળોની મુલાકાત, વિકઍન્ડ પાર્ટીઝ), જ્યાં અને ત્યાં ભાગમભાગ કરીને કાળઝાળ ગરમીમાં કે ઠુઠવાતી ઠંડીમાં કે ધોધમાર વરસાસમાં પરસેવો પાડી આજે બંગલો, નોકર-ચાકર, પોતાનું બિઝનેસ એમ્પાયર વગેરે જેવું કાંઇ કર્યું નથી. (કાયદેસર છેતરપીંડી હજીયે આવડતી નથી કાં તો પોસાય એમ નથી) જો જમાપાસું હોય તો તે છે ઘણાબધા મિત્રો.

સહકર્મચારી મિત્રોઃ
ઓફિસમાં હરતા ફરતાં કે જમતી વખતે દેશી ભોજનની સુગંધથી ઘણા લોકોની ઓળખાણ થઇ ગઇ. આજકાલ દેખાડાને લીધે દેશીઓ ફૉર્ક (કાંટા ચમચી) વાપરી ખમણ કે ઢોકળા ખાતા શીખી ગયા છે. ઓફિસના ઇન્ટ્રાનેટમાં ભારતીય નામોને લીધે ઓળખાણ સરળ થઇ. ઘણા મિત્રો પશ્ચિમી નામ રાખતા થઇ ગયા છે. જેમ કે પરેશનું પીટર, અરવિંદનું એલેક્ષ.

સમકક્ષ મિત્રોઃ
શાકભાજી ખરીદતા કે મૉલમાં ધર્મપત્નિ શૉપીંગ કરતી હોય અને ઘરવાળો છોકરા રમાડતો (વાસ્તવમાં સંભાળતો) હોય એટલે … સમદુઃખીયા બની વાતોએ વળગી જવાનું. આવી મિત્રતા લાંબુ આયુષ્ય ધરાવે છે. બ્રિસ્બેનમાં આજકાલ સૉફ્ટવેર કે આઇ.ટી.વાળા, ઍવીએશન / મરચન્ટ – નૅવીવાળા, સિવિલ અને મિકૅનિકલ ઇજનેરીવાળા અને ખાણીયાઓ (પેટ્રોલિયમ અને માઇનીંગ ક્ષેત્રમાં કામકાજ કરનારા ઇજનેરો)ની માંગ સારી ચાલે છે. ભારતીય કંપનીઓ જેવી કે ટી.સી.એસ., ટેક. મહીન્દ્રા, ઇન્ફૉસીસ, ઑરેકલ ઇન્ડિયા, અદાણી વગેરે તેમના ભારતીય કર્મચારીઓને વર્કીંગ વીઝા-૪૫૭ પર મોકલે છે. આવા મિત્રો પબ, રૅસ્ટોરન્ટમાં કે ઉજાણીમાં ખુબ સારો સાથ આપે છે.

ધાર્મિક સ્થળે કે સામાજીક સંસ્થામાં બનેલા મિત્રોઃ
શનિ-રવિ સંપુર્ણ રજા (બિનભારતીય) હોવાથી પરિવાર માટે પુરતો સમય મળે છે. શનિવાર એટલે પરિવાર માટે અને રવિવારે કોઇ સામાજીક કે ધાર્મિક મેળાવડામાં જવું મનપસંદ પ્રવૃત્તિ છે. એ બહાને ઘણા બધા નવા લોકોને મળવાનો મોકો મળે છે. રવિવારે બાળકોને બાળ/સંસ્કાર/ભાષા કેન્દ્ર વગેરેમાં મોકલી ભારતીયતા જાળવવાનો પ્રયાસ અનેરો પ્રયાસ થાય છે. અહીં પોતાના ગામવાળા, સહપાઠી કે અન્ય લોકો સાથે દુરદુરની ઓળખાણ સરળતાથી થઇ જાય છે. સ્વામિનારાયણ સંસ્થા, ઇસ્કોન, વૈષ્ણવ સંધ ઓફ ક્વિન્સલેન્ડ જેવી જગ્યાએ મહાપ્રસાદની સુવિધા પણ અફલાતુન હોય છે એટલે વિદ્યાર્થીઓમાં ખુબ સારી સંખ્યામાં ત્યાં જાય છે.

સોસિઅલ મીડિયા દ્વારા બનેલા મિત્રોઃ
શનિ-રવિ નવરા હોવાથી અને ફૅસબુક, ટ્વિટર, ફૉરસ્ક્વેર જેવા માધ્યમો ફોનમાં મફત હોવાથી દેશી સ્ટાઇલથી વાતોએ મંડી પડો. ખાવા-પીવાના કાર્યક્રમો બનાવો. જેમને ખાવાનું (સારૂં) બનાવતા ન આવડતું હોય અથવા ભાત/ખીચડી કે સૅન્ડવીચ પર જીવતા લોકો આવા કાર્યક્રમોની કાગડોળે રાહ જોતા હોય કે ક્યારે તુટી પડીએ. ફૅસબુકમાં બ્રિસ્બેન ગુજરાતી સમાજ દ્વારા ઘણામિત્રો બન્યા. મીટઅપના મંડળ દ્વારા હરવા ફરવા કે ખાવા-પીવાના કાર્યક્રમો નિયમિત હોય છે. મિત્ર અશ્વિન બાર્બેક્યુ પર અદ્‍ભુત શાકાહારી વાનગીઓ બનાવે છે.

રસ્તે ચાલતા બની ગયેલા મિત્રોઃ
ઘણી વાર પરિવાર સાથે બગીચામાં, ટ્રેન, બસ કે ફૅરી પ્રવાસમાં બોલકા બાળકો કે ધર્મપત્નિને લીધે બાજુવાળાને વાતોએ વળગાડે અને એક-બે દિવસમાં તેઓ પારિવારીક મિત્રો બને છે. ઘણી વાર નેટવર્કીંગ શોધતા લોકોથી સંભાળવું. જેમ કે કોઇ પ્રસંગ, પિકનિક કે સેવાભાવી સંસ્થાનો કાર્યક્રમ જેની ફી અથવા ટીકિટ હોય 🙂

સબંધીના સગાની ઓળખાણવાળા મિત્રો:
આપણા વિક્રમભાઇના જમાઇના પડોશીનો છોકરો ઓસ્ટ્રેલિયા જ છે ને. આપણા ફુઆના ભત્રીજાનો મિત્ર ઓસ્ટ્રેલિયા જ છે ને. અમે બ્રિસ્બેનમાં અને ઓળખાણ આપે સિડની કે પર્થમાં જે ૧૦૦૦ કે ૪૦૦૦ કિલોમીટર દુર હોય 🙂 પછી પરાણે આપણો નંબર લઇને પેલા/પેલીને પહોંચાડે અને આપણને કહે અડધી રાત્રે કાંઇ કામ કે જરૂર પડે તો શરમાયા વગર એને ફોન કરજો. અમારે તો ઘર જેવો સંબંધ !!! આવા મિત્રો મોટે ભાગે આભાસી મિત્રો રહે કાં તો ફૅસબુકમાં ઉમેરાય.

અંતમાં મિત્રોના મિત્રો જે વિશે આપ સૌ જાણો જ છો 🙂

11 thoughts on “ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો

  1. ગાંડાભાઈ વલ્લભ

    નમસ્તે અમિતભાઈ,
    સારું છે કે ત્યાં જ્ઞાતી-જાતી અનુસાર ભારતીયોના ભેદ તમને જોવા મળ્યા નથી. બાકી અહીં ન્યુઝીલેન્ડમાં તો કોઈ કોઈ લોકોના મનમાં આ ભેદ પણ બહુ સજ્જડ ઘર કરી ગયા છે – આપણા દેશની જેમ.

  2. ASHOK M VAISHNAV

    આપે પસંદ કરેલો વિષય અને તેની હવે પછીની – વિદેશી મિત્રો અંગે- ની રજુઆત પણ રસદર્શક રહેશે.
    નવાં જ વાતાવરણમાં જઇને ઉગી નીકળવું એ તો બહુ જ કઠીન કામ તો છે જ.’પર’દેશને અટલો તો ‘સ્વ’દેશ બનાવવો જ જોઇએ, તેમાં આપણી અસ્મિતાને ભૂંસ્યા સિવાય અને ત્યાંની સંસ્કૃતિમાંથી માત્ર સારાંનો જ પાસ લાગવા દેવાની સાથે “દૂધમાં સાકર’ની જેમ ભળી જઇ ને ત્યાંના જ લોકો જેમ સ્વાભાવિક રીતે વિકાસની દોડમાં હરીફાઇ કરે છે તેમ જ પોતાનો વિકાસ સાધવો દુષ્કર તો જરૂર છે જ.
    તામ્રા વિચારો અને અનુભવો એ સામાયતઃ તો રસપ્રદ રહેશે જે, પણ સાથે સાથે હવે પછી વિદેશ જવા માગતાં લોકોમાટે બહુ મહત્વનું ભાથું પણ બની રહેશે.

  3. પિંગબેક: વિલાયતી ભારતીયો | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.