આફ્રિકન ફૅસ્ટીવલ

બ્રિસ્બેનમાં આફ્રિકન ફૅસ્ટીવલ

બ્રિસ્બેન કે ઓસ્ટ્રેલિયામાં દુનિયાભરના વસાહતી લોકો છે એટલે દરેક દેશોના તહેવારો બારેમાસ ચાલુ જ રહેવાના. આ વખતે મેળ પડ્યો આફ્રિકન ફૅસ્ટીવલનો, જેનું આયોજન બ્રિસ્બેનમાં આવેલા આફ્રિકન હાઉસમાં કરવામાં આવેલું. ૨૫ મે નો દિવસ સર્વત્ર આફ્રિકા દિવસ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમમાં જવાના ઘણા હેતુઓ હતા, જેમાં મુખ્ય હેતુ હતો આફ્રિકાનું સંગીત પ્રત્યક્ષ સાંભળવાનો. આ સિવાય અન્ય હેતુઓ હતા સમૃધ્ધ અને રંગબેરંગી આફ્રિકાની સંસ્કૃતિ, વસ્તુઓ, ફૅશન અને નૃત્યને જાણવાનો.

અહીં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ આખો દિવસ હતી. આ પ્રસંગે ઉપસ્થિત બધા જ બાળકોએ પોતાના ચહેરાઓ પર હાથી, વાધ, સિંહ કે વન્ય પશુ પંખીઓના ટૅટુ ચિતરાવેલા હતા. માત્ર બાળકોએ જ સાચી રીતે આફ્રિકન ફૅસ્ટીવલ ઉજવ્યો હોય એવું લાગ્યું. આફ્રિકન સંગીતના જાતજાતના વાદ્ય-વાજીંત્રો વગાડતા તથા ગીત ગાવાના વર્કશૉપ આખો દિવસ ચાલતા હતા. એક બે પર હાથ અજમાવ્યો તો અવાજ જેવું કંઇક આવતું હતું પણ સુર મેળ ખાતો નહોતો. શાકાહારી ભોજન મુશ્કેલ હોવાનો અંદાજ હતો એટલે વધુ અપેક્ષા ન હતી, પણ કેટલીક શાકાહારી વાનગીઓ પણ હતી. સ્વાદ વિશે લખવા જેવું ખાસ નથી.

વિશાળ મંચ ઉપરથી આખો દિવસ આફ્રિકાના વિવિધ દેશોના સંગીત અને નૃત્યની મહેફીલ જામી હતી. કેટલાક સ્થાનિક નિશાળના બાળકોએ આ પ્રસંગે આફ્રિકી શૈલીના ગીતો ગાયા જેમાં એકાદ બે ભારતીય જેવા લાગતા બાળકો પણ હતા. કેટલાક આફ્રિકી વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ વચ્ચે શૈક્ષણિક, બૌધ્ધિક અને રાજકીય ચર્ચાઓ માટે ભાષણો અને સેમિનારો નિયત સમયને અંતરે ચાલુ જ રહેતા હતા. એક શ્યામસુંદરી ઝીમ્બાવે-આફ્રિકાની રાજકીય સ્થિતી વિશે બોલતી વખતે ભારતની વર્ણવ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરતી સાંભળવા મળી.

આ કાર્યક્રમનું આયોજન ક્વિન્સલેન્ડ આફ્રિકન કમ્યુનિટી કાઉન્સીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે નાના નાના ઘણા આફ્રિકી સંસ્થાઓની મુખ્ય સંસ્થા છે. આ વખતે આશરે ૫૦૦૦થી વધુ લોકોએ આ તહેવારની મુલાકાત લીધી હોવાનો અંદાજ છે.

2 thoughts on “બ્રિસ્બેનમાં આફ્રિકન ફૅસ્ટીવલ

Leave a reply to હિમ્મતલાલ જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.