દેશી બાર્બેક્યુ

બ્રિસ્બેનમાં ભોજન સંઘર્ષ

બ્રિસ્બેનમાં પરિવાર વગર ઘણો સમય રહેવાનું થયું એટલે સૌથી મોટી મુશ્કેલી ભારતીય ભોજન વ્યવસ્થાની હતી. આમ તો ભોજન બનાવવાના અખતરા ઘણા કર્યા પણ ખાસ જામ્યું નહી. જમતા પંદર મિનિટ થાય, ખાવાનું બનાવતા, વાસણો સાફ કરતાં કલાક કરતાંય વધુ થાય. ખરીદીનો સમય તો અલગ જ. એક જ વ્યક્તિનું ખાવાનું બનાવવાનું હોવાથી થોડું થોડું બનાવવું પડે, વધારે બનાવીએ તો એક જ સ્વાદનું ભોજન વારંવાર ખાવું પડે. આ સિવાય સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિ તો ખરાં જ. કરિ, ભાત, બ્રેડ-બટર, સૅંડવીચ, દેશી બાર્બેક્યુ વાનગીઓ ખાઇ ખાઇને હવે જીવન ટકાવી રાખ્યું છે. જ્યાં સુધી જીવનમાં મુશ્કેલી આવે નહીં ત્યાં સુધી નવી શોધ થઇ શકે નહી. એટલે બ્રિસ્બેનમાં સરળ (મફત) ભોજન મેળવવાની સઘન યોજના અમલમાં મુકેલી છે અને લાંબી યોજના છે.

પ્રથમ લક્ષ્ય મંદિરો. કારણ કે બાળકનો જન્મ થાય ત્યારથી જ ભગવાનનું નામ લેવાય અને કોઇને કોઇ ધર્મ સાથે સંકળાયેલ રહે અને એટલે જ સરળ લક્ષ્ય મંદિરો. બ્રિસ્બેનમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર, વિષ્ણુમાયા મંદિર, વિવિધ ગુરુદ્વારાઓ, ઇસ્કોન મંદિર, ગણેશ મંદિર અને અન્ય મંદિરોમાં રવિવારે સાંજે આશરે ૪ થી ૭ દરમિયાન મહાપ્રસાદ/લંગર/પ્રસાદમ (રાત્રી ભોજન) નું આયોજન હોય છે. અમુક મંદિરો શહેરથી ખુબ દુર આવેલા છે તેથી મિત્રની વ્યવસ્થા હોય તો સારૂ. મિત્ર એટલે ખાસ તો કાર હોય તેવો મિત્ર. મિત્રના માતા, પિતા, પત્નિ કે બાળકો સમક્ષ હંમેશા મંદિરની ખુબ જ પ્રસંશા કરવી જેથી તેઓ આવે અને આપણને પણ લઇ જવા સહાયક બને. મોટા ભાગના મંદિરો જાહેર વાહનવ્યવહારથી સંકળાયેલા હોય છે પણ તો ય બસ કે ટ્રૅનનો સમય સાચવીને જવું. ધાર્મિક સ્થળોએ થોડા સભાન અને હસમુખા રહેવું કારણ કે જાણીતા લોકોની સંખ્યા વધારે હોય છે. સમયથી થોડાં વહેલા પહોંચવું. અન્ય ફાયદા- આવા સ્થળે સામાજીક સબંધો, મિત્રતા, નોકરી આપનાર/લેનાર, મુશ્કેલીઓ દુર કરનારાઓ સરળતાથી મળી રહે છે. ભારતીય ભાષાના વર્ગો કે સત્સંગ, પ્રવચન, ભજન, નૃત્યો વગેરે દ્વારા સંસ્કૃતિ જાળવવાની તક મળે. બાળકોને જ્ઞાન-ગમ્મત અને થોડા ભારતીય સંસ્કારો મળે.

બીજું લક્ષ્ય ધાર્મિક સંસ્થાઓઃ સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ સંસ્થાઓ, વૈષ્ણવ સંસ્થાઓ, ઇસ્કૉન સંકલિત સંસ્થાઓ, સનાતન ધર્મ સંસ્થા, આર્યસમાજ, હિંદુ/બુધ્ધ સંગઠનો, વિવિધ બાબાઓ/બાબીઓ/માં/બહેનો/ભાઇઓના સંપ્રદાયો, ઉત્તર/દક્ષિણ/પુર્વ/પશ્ચિમ ભારતના દેવ/દેવીઓની સંસ્થાઓ કાર્યરત છે. એટલે ગુગલ કે વિકિપીડિયા વૅબસાઇટ/ઍપ પર તેમના વિશે વાંચીને કે જાણીને જઇએ તો તેમને સમજવામાં સરળતા રહે અને જાણે કે આપણું સમગ્ર જીવન તેમની સંસ્થાના કાર્યમાં સમર્પિત કરેલ હોય તેવું સામેવાળાને લાગે. સ્વયંસેવક બનવામાં બેધડક હા પાડી દેવી જેથી ઘણા બંધ દરવાજા ખુલી જાય, ભલે તેમના સંપ્રદાયની પ્રાર્થના કે આરતી ના આવડતી હોય. ભોજન માટે કદી ગભરાવવું નહીં. સાચા દિલથી ભોજનની આશા રાખનારને ૩૩ કરોડ દેવદેવીઓ મદદ કરે છે !!! દાન (ડૉનેશન)થી સાવધાન, ઓછી વસ્તીના અને મજબુત ડોલર ચલણના દેશમાં સમગ્ર વિશ્વના ભાતભાતના લોકો વસે છે એટલે બધાયના તહેવારો હોય, તહેવારો હોય એટલે ભોજન પણ હોય જ.

ત્રીજું લક્ષ્ય જાહેર સંસ્થાઓના મેળાવડા: બ્રિસ્બેન શહેરના દરેક મોટા વિસ્તારમાં, મૉલ, શૉપીંગ સૅંટર વગેરે સ્થળોએ કાઉન્સીલ પુસ્તકાલય આવેલ હોય છે જે માત્ર પુસ્તક વાંચવાનું સ્થળ જ નહી પણ સામાજીક સેમિનાર, વૅકેશનમાં બાળરમતો, બાળકોની જ્ઞાન-પરબ, ઐતિહાસિક ગ્રંથોની જાળવણી અને પ્રચાર, મોટા વેપારીઓ કે બિઝનેસ મહારથીઓ સાથે જાહેર વાર્તાલાપ, વિવિધ યોજનાઓ કે જનહિત કાયદા/હકનો પ્રચાર-પ્રસાર વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ હોય છે. હમણા વળી લોક-સમાચાર પ્રતિનિધિ જેવા કાર્યો પણ થાય છે. આવા સ્થળે નોંધણી અગાઉથી કરાવવી જરૂરી હોય છે જેથી ભોજન કે નાસ્તાપાણીની (કોઇવાર મફત છાંટોપાણી) વ્યવસ્થા સારી રીતે થઇ શકે. બ્રિસ્બેનમાં મારુ સૌથી મનપસંદ સ્થળ એટલે “સ્ટૅટ લાઇબ્રૅરી ઑફ ક્વિન્સલેન્ડ” અને “ધ ઍજ“. આ સિવાય ગુજરાતી ઍસોસીએશન ઑફ ક્વિન્સલેન્ડના સિનિયર સિટીઝન્સ ક્લબમાં નિયમિત આંટો મારવો જેઓનું પ્રિતી ભોજન મહિને એકવાર હોય. પ્રેમથી બધાની સાથે ગપ્પાગોષ્ઠી કરો એટલે તેઓ ખાવા માટે ખુબ આગ્રહ કરે. પછી તો વડીલોની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે ને !!!

ચોથું લક્ષ્ય મિત્રોના ઘેર ભોજનઃ મુશ્કેલીમાં મદદ કરે તે મિત્ર. મિત્રોના જીવનની દરેક ખુશી કે તેમને ખુશ થવામાં મદદરૂપ થયા કરો અને કોઇ વાર વાતચીતમાં એકાદ વાર (વારંવાર નહી) બોલી જવું કે “તારા જન્મ/લગ્ન તિથીએ જમવા જરૂર બોલાવજે”. મિત્રોના બાળકોના જન્મદિવસ યાદ રાખવા અને સ્વયં મહેનત કરીને બનાવેલા શુભેચ્છા પત્ર અવશ્ય આપવા જેથી જો તે ભુલી ગયો હોય તો યાદ આવી જાય અને આપણો આભાર માને. ફૅસબુક અને ગુગલ કૅલેન્ડર આ કામમાં ખુબ મદદરૂપ થશે વળી ઇમેલ કે એસએમએસ રીમાઇન્ડરથી સમય સાચવવામાં મદદરૂપ થઈ જશે. મિત્રોના બાળકોને હંમેશા પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યની પ્રશંસા કરવી. મિત્રોના બાળકો ભોજન આમંત્રણ મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આ સિવાય મોટુ પ્રગતિપત્રક હજી લખવાનું બાકી છે. લાંબી યોજનામાં ધીરજ તો રાખવી જ પડે ને !!! ટીંપે ટીંપે સરોવર ભરાય. મન હોય તો માળવે જવાય. ધીરજના ફળ મીઠાં. બધી જ કહેવતો મારી યોજનામાં આગળ વધવામાં ખુબ પ્રેરણાદાયી અને સહાયક બને છે.

તહેવારો અને પ્રસંગોની વધુ માહિતી નીચેની વૅબસાઈટ પરથી મળી રહેશે.

બ્રિસ્બેન ઇન્ડિયન ટાઇમ્સ http://www.indiantimes.com.au
ઇવેન્ટ બ્રાઇટ  http://www.eventbrite.com.au

તમારી પાસે કોઇ અન્ય રસ્તા હોય તો અવશ્ય જણાવશો.
સમગ્ર વિશ્વના બ્લોગ વાચકો બિલકુલ શરમાયા વગર મને જમવા આમંત્રણ આપી શકે છે 🙂 

Advertisements

6 thoughts on “બ્રિસ્બેનમાં ભોજન સંઘર્ષ

  1. pravinshastri

    હું પણ પરસાદિયો ભગત છું હોં. તમે એકલા હોવાને કારણે ભલે પ્રસાદાર્થે પ્રભુ દર્શને પાવન થયા હશો પણ અહીં યુ.એસે માં મહિલાઓ પણ દર રવિવારે રાંધવાનું ટાળે છે અને પતિદેવોને ધર્મલાભ અપાવે છે…….અને ભોજનથાળના ચિત્રો….બહુ જુલમ ના કરો બાપલા! ડાયાબિટિઝ, હાઈ બી.પી, ઓવેર્વેઈટ મોટાપેટવાળાની થોડી દયા તો ખાવ!

  2. પિંગબેક: બ્લૉગ ભ્રમણની વાટે… ૪૭,૪૮,૪૯,૫૦ « વેબગુર્જરી

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.