Tears In Paradise

સ્વર્ગમાં આંસુઓ – ફિજીની સત્ય કથા

નવરા બેઠા ગુગલ નક્શા અને વિકિપીડિયા વૅબસાઇટ પર ફિજીની ઉડતી મુલાકાતે હતો ત્યાં જ નજરે પડ્યું પુસ્તક ટીયર્સ ઇન પૅરેડાઇઝ – રાજેન્દ્ર પ્રસાદ. આ પુસ્તક આમ તો લેખક રાજેન્દ્ર પ્રસાદની આત્મકથા છે, જેઓ ત્રીજી પેઢીના ફિજી-ભારતીય કે ગિરમિટીયા છે. તેમણે ફિજીમાં વસતા ભારતીયોના સંઘર્ષને લગતી વિગતો દર્શાવી છે. તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં રહે છે, મારી તેમની સાથે કદીયે વાતચીત થઇ નથી પણ ફૅસબુકમાં તેઓ મારા મિત્ર છે 🙂

રાજેન્દ્ર પ્રસાદ

રાજેન્દ્ર પ્રસાદ –

જ્યારે વિશ્વમાંથી ગુલામી પ્રથા નાબુદ કરવામાં આવી ત્યારે અંગ્રેજો જેટલા પ્રદેશો પર ગુલામો રાખીને શાસન કરતા હતા ત્યાં ગુલામોએ કાર્ય કરવાની સખ્ત મનાઇ કરી દિધી. આવા સંજોગોમાં તેમને ગુલામોની જેમ કામ કરનારા પણ ગુલામો ન કહી શકાય તેવા મજુરોની જરૂર પડી. સૌથી સારા, ટકાઉ, મજબુત અને લાચાર મજુરો ભારતના હતા. એ વખતે એમણે એક યોજના બહાર પાડી “ઍગ્રીમેન્ટ” જેનુ ભારતીયોએ અપભ્રંશ કર્યું “ગિરમિટ”. ભારતમાંથી મજુરોને ગિરમિટ યોજના દ્વારા વિદેશ લઇ જવા માટેના મુખ્ય બે બંદરો હતા. કલકત્તા અને મદ્રાસ. કલકત્તા અને મદ્રાસ પ્રૅસિડન્સીના આ અનુક્રમે મુખ્ય મથકો હતા. બૉમ્બે પ્રૅસિડન્સીમાં એકંદરે શાંત અને સુખી પ્રજા હતી. બૉમ્બે પ્રૅસિડન્સી નીચે આવતા ભારતીય રાજાઓનો આભાર માનવો જોઇએ કે તેમણે પશ્ચિમ ભારતની પ્રજાને ગિરમિટ પ્રથાથી દુર રાખી. ગ્વાલિયરના રાજાએ તેમના ખાસ પોલીસો કલકત્તા મથકે રાખેલા જેથી તેમના રાજ્યના લોકોને કોઇ ગિરમિટ પ્રથામાં સામેલ ન કરે. મોટા ભાગના ગિરમિટીયાઓ આજના ઉત્તરપ્રદેશ અને બિહારના હતા. આ બે રાજ્યો વિષે વધારે શું કહેવું? 😦 અહીં લોકોને ફોસલાવી કે લાલચ આપીને ફિજી, વૅસ્ટ ઇન્ડીઝ, મોરેશિયસ, ટ્રીનીદાદ, આફ્રિકાના દેશો, ગુયાના કે અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા. પોંડીચેરીમાં ફ્રેંચોનું શાસન હતું એટલે તેમણે આજના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી લોકોને વિશ્વના અન્ય ફ્રેંચ શાસિત આફ્રિકન અને કૅરેબિયન દેશોમાં મોકલ્યા.

મુળ વાત આ પુસ્તક “ટીયર્સ ઇન પૅરેડાઇઝ” જેમાં લેખક રાજેન્દ્ર પ્રસાદને જ્યારે પહેલી વાર ભારત આવવાની તક મળે છે ત્યારે તેમના દાદાની કહેલી ભારતની વાતો, ગામનું વર્ણન અને લોકોનો પ્રેમ વગેરેમાંથી લેખકને આ પુસ્તક લખવાનો હેતુ મળે છે. તેમના ભારત પ્રવાસ અને ફિજીના બાળપણના દિવસોનુ ખુબ અનોખુ વર્ણન છે. લેખકના દાદાજી તથા નાનાજી પાસેથી સાંભળેલી વાતો અને ભારતથી ફિજી સુધીનું પ્રવાસવર્ણન અદ્‍ભુત છે. આ સિવાય સામાજીક વિષયો જેવા કે ફિજી આવ્યા બાદ કામકાજની રીતો, તકલીફો અને સંઘર્ષની મનોવ્યથા, ગિરમિટ પ્રથાનો અંત અને નવી શરૂઆત, સાંસ્કૃતિક અને રાજકીય સંઘર્ષ, ઓસ્ટ્રેલિયાની ખાંડમીલ અને ભારતીય કામદારોનો વિગ્રહ જેવા વિષયો ખુબ ઊંડાણપુર્વક અને બારીકાઇથી વર્ણવેલા છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવો જ સંઘર્ષ ફિજી ભારતીયોએ અંગ્રેજો અને ઓસ્ટ્રેલિયાની ખાંડમીલ જેવા ખમતીધરો સાથે કરેલો છે. ફિજીમાં ભારતીયોની પ્રગતિમાં રોડા નાખવા અંગ્રેજોએ સ્થાનિક ફિજીયનો અને ફિજી-ભારતીયો વચ્ચે મોટી ખટપટ અને રાજકારણ લાવ્યું હતું. આને લીધે ફિજીમાં ફિજી-ઇન્ડિયન વડાપ્રધાન બનવાથી સશસ્ત્ર આંતરવિગ્રહ થયેલો. વળી ફિજીના હિંદુઓમાં પણ ભેદભાવ આવી ગયા છે જેમાં મુખ્ય બે ભાગ છે – આર્યસમાજવાળા અને સનાતન ધર્મવાળા.

વધુ માહિતીઃ http://girmitunited.org

કિંડલ કે અમેઝોન પર સાત ડોલરમાં પુસ્તક પ્રાપ્ય છે અને શરૂઆતનો અધ્યાય મફત વાંચી શકાય છે.

નાનકડું સર્વેક્ષણઃ

9 thoughts on “સ્વર્ગમાં આંસુઓ – ફિજીની સત્ય કથા

  1. Ritesh Mokasana

    ખુબ આભાર. રસપ્રદ, માહિતીસભર લેખ પણ સાથોસાથ દુખની મિશ્ર લાગણી પણ સમાયેલી છે. કેટલાયે બિન ભારતીય લોકોએ આપણી પ્રજાનું શોષણ કર્યું છે।. જેમાં મુખ્ય કારણ હતા, ગરીબી,ટોળાશાહી,પ્રજાવધારો અને અભણ પ્રજા!

  2. સુરેશ

    ફિજીના હિંદુઓમાં પણ ભેદભાવ આવી ગયા છે જેમાં મુખ્ય બે ભાગ છે – આર્યસમાજવાળા અને સનાતન ધર્મવાળા.
    ——
    આ ધરમના ઝગડા કદી બંધ થશે ખરા? કદાચ ‘રામ’ને પણ ખબર નહીં હોય !!

Leave a reply to દિનકર ભટ્ટ જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.