Category Archives: ધાર્મિક સ્થળ

સ્વામિનારાયણ સંસ્થા

રવિવારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના સંદર્ભમાં આ વખતે મુલાકાત લીધી સ્વામિનારાયણ સંસ્થાની.

નાનકડા બ્રિસ્બેનમાં રહેતા ભારતીય ગુજરાતીઓને ચોક્કસ ખ્યાલ હોય કે નજીકનું સ્વામિનારાયણ મંદિર કે રવિસભા ક્યાં છે? અમે પણ જ્યારે બ્રિસ્બેનમાં પરિવાર સાથે પહેલી વાર આવ્યા ત્યારે અમને પ્રથમ મળનારા ગુજરાતી દંપતિએ અમને નજીકમાં આવેલ સ્વામિનારાયણ રવિસભા વિશે જણાવ્યું.

આ રવિસભા હાલમાં (મે-૨૦૧૩) મૅકગ્રેગર સ્ટેટ હાઇસ્કુલના ઇન્ડૉર સ્ટૅડિયમમાં દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન યોજાય છે. આ ઉપરાંત અહીં બાળકો અને યુવાનો માટેના કેન્દ્રો પણ ચાલે છે.

સરનામું: ૨૯ બ્લેકવેટલ સ્ટ્રીટ (પ્રવેશ વેડલી સ્ટ્રીટ), મૅકગ્રેગર – ૪૧૦૯ નજીકનું બસ સ્ટૉપ: ગાર્ડન સિટી શૉપિંગ સૅન્ટર ઇન્ટરચૅન્જ

કાયમી સરનામુંઃ ૪૫ ક્લેર રોડ, કિંગસ્ટન ૪૧૧૪

baps_temple

સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા બેસવા માટે ખુરશી, પાથરણાં, સંગીત માટેના સ્પીકર્સ, લેપટોપ અને ખાસ લાઇટીંગ સુવિધાનું અફલાતુન આયોજન કરાય છે. યુવાનો દ્વારા મધુર સ્વરમાં કર્ણપ્રિય ભજનો/કિર્તનોની રજુઆત થાય છે. રવિસભામાં પ્રાર્થના, ભજન, પ્રવચન, સમાચાર, કિર્તન અને દ્રશ્યશ્રાવ્ય રજુઆત હોય છે. અંતમાં આરતી અને મહાપ્રસાદ તો ખરો જ. આ ઉપરાંત વર્ષમાં એક વાર એકદિવસીય પ્રવાસ/ઉજાણીનું આયોજન પણ થાય છે. દિવાળીનો અન્નકુટ સમગ્ર બ્રિસ્બેનમાં લોકપ્રિય છે.

રવિસભામાં આવવાનો મોટો ફાયદો એ કે અહીં ઘણા બધા ગુજરાતી બોલતા લોકોને મળવાનો મોકો મળે છે. પરદેશમાં ગુજરાતી પરિવારોને મળવાનો લહાવો કાંઇક ખાસ જ હોય છે. અહીં ઘણા લોકો સાથે મિત્રતા થઇ. નાના બાળકોને ભારતીય સંસ્કારો અવશ્ય મળી રહે છે. જીવન વિકાસના ઘણા બોધપાઠ પ્રમુખસ્વામિના પ્રવચનોમાંથી મળ્યા છે.