Category Archives: પ્રવાસ વર્ણન

જીવનમાં કરેલા યાદગાર પ્રવાસોનું વર્ણન.

નાતાલ ઉજાણી

ઇન્ટરનેશન્સ પિકનિક

ઇન્ટરનેશન્સ પિકનિક

૨૦૧૧માં ઓસ્ટ્રેલિયા આવ્યા પછી પહેલું કામ સારું ઘર શોધી ઠરીઠામ થઇ થવાનું હતું અને પછી અહીંના લોકો સાથે ઓળખાણ વધારવાની હતી. એટલે વિદેશમાં વસતા ગુજરાતીભાષી લોકોના બ્લોગ શોધવાનું અભિયાન શરુ કર્યું. એવામાં વર્ડપ્રેસ પર એક બ્લોગ મળ્યો “ઓઝી ગર્લ ઇન ઇન્ડીયા“. દેશ અને નાગરીકતા મારાથી અલગ છે :). આ બ્લોગ પરથી વધુ માહિતી મળી ઇન્ટરનેશન્સ સંસ્થાની. ગયા રવિવારે ઇન્ટરનેશન્સ તરફથી બ્રિસ્બેનમાં નાતાલ નિમિત્તે ઉજાણી (પિકનીક)નું આયોજન ન્યુફાર્મ પાર્કમાં કરવામાં આવ્યું હતું. અજાણ્યા વિદેશીઓ સાથે હળીમળી ઉજાણી કરવાનો આ પ્રથમ પ્રસંગ હતો.

Internations.org

Internations.org

રવિવારે સવારે ઊઠતાંની સાથે જ ઉજાણીએ જવાની તૈયારી શરુ કરી દીધી. જાતજાતના ભારતીય નાસ્તાના ડબ્બાઓ ભરી લીધા અને જમી લીધું. પછી સાયકલ પર ખુરશી બાંધી પહોંચી ગયો બ્રિસ્બન નદીના કિનારે સાઉથ બેંક સીટીકૅટ સ્ટેશને. અહીથી ફેરીમાં સાયકલ સાથે લઇને પહોંચી ગયો ન્યુફાર્મ પાર્ક. ઇમેલમાં માહિતી આપી હતી કે ન્યુફાર્મ ફેરી સ્ટેશન અને પાવરહાઉસ રેસ્ટોરન્ટ વચ્ચેના બગીચામાં હાજર રહેવાનું. આ જગ્યામા આશરે ૧૦૦થી વધુ લોકો નાના નાના સમૂહોમાં બાળકો સાથે પહેલેથી જ મજા માણતા હતાં. એટલા બધા લોકોની વચ્ચે “ઇન્ટરનેશન્સ પિકનીક” લખેલું નાનું બોર્ડ લગાવેલું હતું. બાર વાગે ઉજાણી શરુ થવાની હતી પણ હજું દસેક લોકો જ આવ્યા હતા.

નિયત સ્થળે પહોંચ્યા પછી આયોજક કેથરીન (પોર્ટુગલ) અને ક્રિસ્ટીન (જર્મની) નામની મહિલાઓ સાથે ઓળખાણ થઇ અને મારી ઓળખાણ અન્ય લોકો સાથે કરાવી. બધા લોકો એકબીજા સાથે વાતોએ વળગ્યા હતા અને પોતાના દેશ વિશે તથા ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછીની મનોરંજક વાતો કરતા હતા. ધીરે ધીરે નવા નવા લોકો આવવા લાગ્યા. બ્રાઝીલ, ફ્રાંસ, જર્મની, ઇઝરાયેલ, સ્પેન, મેક્સીકો, ઇટાલી, જાપાન, ઇસ્ટોનીયા જેવા દેશોના લોકો મળ્યા અને મિત્રો બન્યા. મારી સાથે વાતો કરતાં લોકો કે જેમણે ભારત જોયું હતું તેમને બોલીવુડ, ભારતીય ભોજન, સંગીત, મુંબઇ, ગોઆ અને કેરાલા વિશેની માહિતી હતી. ઇસાબેલ (ઇઝરાયેલ)ને ભારતમાં ભારતીય-ચાઇનીઝ ભોજન ખુબ જ ગમ્યું હતું. પોર્ટુગલમાં કેથરીનના ઘણા ગુજરાતી જાણનારા મિત્રો છે. કેથરીને કહ્યું કે તેઓ ઇસ્માઇલી ખોજા લોકો છે અને તેમનો મનપસંદ ભારતીય નાસ્તો “ચેવડો” છે :). પછી તો મેં ટેબલ પર ભારતીય નાસ્તાના ડબ્બાઓ ખોલ્યા અને લોકોએ નાસ્તાની મજા માણી. અન્ય લોકો નાસ્તામાં કેક, બિસ્કીટ, મફીન્સ, સુકો મેવો, બિયર, વેફર્સ, ફળફળાદિ વગેરે લાવ્યા હતા.

એવામાં એક ભારતીય પરીવારને મળવાનું થયું – અરવિંદભાઇ, ગુંજનબેન અને તેમની દિકરી ઇવા. હજું નવાસવા જ બ્રિસ્બેન આવ્યા હતા. તેમની સાથે દેશ(ગામ)ગપાટા મારવાની મજા પડી ગઇ. ચા અને પાણીપુરીની લારીથી શરુઆત કરીને દેશના રાજકારણ સુધીની વાતો કરી :).

થોડા જર્મન નવયુવકો વાતોથી કંટાળ્યા અને મને રમવા આમંત્રણ આપ્યું. ખુલ્લા મેદાનમાં પહેલા ડિસ્ક થ્રો રમ્યા અને પછી રમ્યા “સ્પીડમીંટન“. બેડમીંટન રમવાનો મને અનુભવ હતો પણ આ રમત હતી સ્પીડમીંટન. લોન ટેનીસ અને બેડમીંટન વચ્ચેનું મિશ્રણ.

એક તો ૩૦ ડીગ્રી ગરમી અને ભેજવાળી હવા એટલે પોણા કલાકમાં તો બધાય પરસેવે રેબઝેબ. એટલે પાછા ખાવાપીવા આવી ગયા. થોડા ફ્રુટ જ્યુસ ગટગટાવીને ખુરશીમાં આરામ કરીને બધાય ૪ વાગે એક પછી એક વિદાય થવા લાગ્યા. થોડાક મિત્રો સાથે રવિવારે સવારે ફુટબોલ રમવાનું પ્લાન કર્યું અને ફોન નંબરની આપલે કરી છુટા પડ્યાં. હવે નવા ઇન્ટરનેશન્સના પ્રસંગની રાહ જોઇએ છીએ 🙂