બિનનિવાસી ભારતીયોનું અણગમતુ ભારત

“બિનનિવાસી ભારતીયોનું અણગમતુ ભારત” – આમ તો શિર્ષક જ ખુબ અણગમતુ છે. વિદેશમાં પહેલી વાર લાંબો સમય રહેવાનું હતું એટલે ઍનઆરઆઇ બનવાનું નિશ્ચિત હતું. ભારતીય આયકર વિભાગના નિર્દેશ અનુસાર વર્ષમાં ૧૮૦ થી વધુ દિવસ વિદેશમાં રહો એટલે તમે બિનનિવાસી ભારતીય બન્યા કહેવાઓ. અહીં આવતા મોટા ભાગના ભારતીયો વિદ્યાર્થી તરીકે આવે છે પછી સંઘર્ષ બાદ પી.આર. અને પછી ઓસ્ટ્રેલિયાની નાગરિક્તા મેળવે છે. બૉટમાં બેસીને શ્રીલંકાના તમિલ ભારતીયો નિરાશ્રીત બનીને પણ આવે છે.

india-australia

india-australia

નવા નવા ઓસ્ટ્રેલિયા આવ્યા પછી દેશી ભારતીયો અને વિદેશી ભારતીયોને પણ મળવાનું થયું. મળ્યા પછીનો પ્રથમ સવાલ હંમેશા એક જ હોય. “તમારે પી.આર. (પરમેનન્ટ રૅસીડેન્સી) છે ?” જો તમારી પાસે ઓસ્ટ્રેલિયાના પી.આર. અથવા નાગરિકતા ના હોય તો તમે નીચલી શ્રેણીના ગણાઇ જાઓ. મનોવિકૃત સામાજીક દરજ્જામાં નાગરિકતા વાળા સૌથી ઉપર, પછી પી.આર. વાળા, પછી ૪૫૭ વિઝા (વિશિષ્ટ કાર્ય લાયકાત) વાળા અને છેલ્લે વિદ્યાર્થી વિઝાવાળા ગણાય. વળી પાછા યુ.કે.વાળા, આફ્રિકાવાળા, ફિજીવાળા, ન્યુઝીલેન્ડવાળા નવી ઉપશ્રેણીમાં વહેંચાય. આટલુ બધુ થઇ ગયા પછી જો તમે ભારત અથવા ભારતીયોની આદતો વિશે ખરાબ ના બોલો તો ખલ્લાસ ! તમે મનોસંકુચિત કહેવાઇ જાઓ એટલે ધ્યાન રાખવું. ઘણા પાછા કહે પણ ખરા કે અમને ઉતરાણમાં ખાસ ફાવે નહીં અમે યુ.કે.ના ખરાને. અમારે કેન્યામાં મજા હતી અહી તો વસ્તીજ નથી.

નવરા લોકોની વાતચીતમાં ખાસ મુદ્દાઓનુ વારંવાર પુનરાવર્તન થાય. જેમ કે ઇન્ડિયામાં વાહનવ્યવહારની કોઇ સમજ જ નથી. ભારતના બધાજ લોકો પૈસા ખાનારા અને રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે. પૈસા વગર કોઇ કામ થતું જ નથી. જ્યાં અને ત્યાં કચરો નાખવાની આદત બધાને છે. ગલી ગલીએ ચા-પાણી, નાસ્તો અને લારી-ગલ્લાવાળા ઉપલબ્ધ છે. ભારત દેશ ભગવાન ભરોસે ચાલે છે વગેરે વગેર. ભારતના વિમાન મથકે ઉતર્યા બાદ મોટાભાગના લોકોને વ્યવહારમાં ખરાબ અનુભવનું સંભારણું રહી જાય છે. મલેશિયા, સિંગાપોર, હોંગકોંગ અથવા યુરોપથી આવીને વસેલા લોકો હંમેશા પોતાની નાગરિકતા તેમના દેશની જાળવી રાખે છે અને ઓસ્ટ્રેલિયામાં પી.આર. લઇને વસવાટ કરે છે. જ્યારે ભારતીયો ભારતની નાગરિકતા છોડવામાં સહેજે કચવાટ અનુભવતા નથી. ભારતીય તહેવારો લોકોને એકબીજાને સાથે સાંકળવામાં મહત્વનો ભાગ ભજવે છે.

holi

holi

અહીં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ધરાવતા ભારતીયોની માલિકી ધરાવતી નામચીન ભારતીય રૅસ્ટોરન્ટ ભારતના જ વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરવામાં કોઇ કસર બાકી રાખતી નથી. દુઃખની વાત એ કે આ પરીસ્થિતીમાંથી પસાર થયેલા લોકો કદીયે નવા લોકોને ચેતવણી આપતા નથી. વિપરીત પરીસ્થિતી કે કપરા સંજોગોમાં લોકો વિઝા માટે સામેથી પૈસા આપીને ગુલામી પ્રથા સ્વિકારે છે. ફાર્મસી કે ઉચ્ચકક્ષાનું ભણેલા લોકો સામેથી પૈસા આપી રેસ્ટોરન્ટ અથવા ગેરેજ અથવા સ્ટૉરમાં સામાન્ય કક્ષાની નોકરી સ્વિકારે છે. સંઘર્ષ કરતા ભારતીયો સાથે તોછડાઇ પુર્વક અને અપમાનીત ભાષામાં વાતચીત કરનાર માત્ર ભારતીય જ હોય. મારા એક ખાસ વડિલ મિત્ર પાસે જ્યારે આ વિશે અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે જણાવ્યું કે ભારત દેશ પ્રત્યે અણગમો એટલા માટે છે કે આપણે તેને ખુબ ઊંચી કક્ષાએ જોવા માગીએ છીએ અને વારંવાર આ પ્રયત્નમાં નિષ્ફળ જઇ રહ્યા છીએ એટલે હારેલી પરીસ્થિતીનું વર્ણન અણગમા દ્વારા વ્યક્ત થાય છે.

નોંધઃ માત્ર અંગત મંતવ્ય

Advertisements