Category Archives: દોડ – મેરેથોન

રોજીંદી જીંદગીમાં દોડ અને વિશિષ્ટ ઘટનાઓ

પાર્કરન – સાઉથ બેંક

South Bank Parkrun

સાઉથ બેંક પાર્કરન

બ્રિસ્બેન શહેરના ઘણા બગીચાઓમાં અને તેની આસપાસના વિસ્તારોમાં દર શનિવારે સવારે ૭ વાગે પાર્કરન સંસ્થાના સ્વયંસેવકો દ્વારા લોકો માટે પ કિલોમીટર દોડનું અફલાતુન આયોજન થાય છે. આ દોડ માત્ર બ્રિસ્બેન પુરતી જ નહીં પણ સમગ્ર વિશ્વના ધણા દેશોમાં દર શનિવારે સવારે નિયત કરેલા સમય મુજબ યોજાય છે. આ દોડની ખાસીયત એ કે તે બધા જ લોકો માટે બિલકુલ મફત છે. અહીં વાલી સાથે આવેલા અને બાબાગાડી (પ્રામ)માં બેસેલા બાળકોથી માંડી ૬૦+ વર્ષના નવયુવકો બધા જ ખુશી ખુશી દોડે છે. ઘણી વાર સ્થાનિક રમતવીરો અને સુપ્રસિધ્ધ લોકો (સેલેબ્રીટી) પણ આવા પ્રસંગે સવારમાં મફત દોડવા આવી જાય છે. મોટાભાગના દોડવીરો પોતાની સાથે કોઇને કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખે છે જેમકે ગારમીન, આઇફોન, આઇપોડ, એન્ડરોઇડ ઉપકરણ, ધડિયાળ. જેમાંથી સંગીત, સમય, ગ્રાફ અને બાકી રહેલું અંતર અને અન્ય ઘણી માહિતી મળ્યા કરે છે.

South Bank Parkrun

સાઉથ બેંક પાર્કરન – માહિતી સત્ર

આ દોડનું આયોજન અમારા ઘરની બાજુમાં આવેલા સાઉથ બેંક પાર્કલેન્ડમાં થાય છે. આ દોડમાં ભાગ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરીને મળેલા બારકોડની પ્રીન્ટ સાથે રાખવાની હોય છે જે સમયની નોંધ માટે જરૂરી છે. દર શનિવારે સવારે ત્યાં આશરે ૮૦ થી ૧૩૦ જેટલા લોકો દોડવા માટે તૈયાર જ હોય છે. પ્રથમ ૧૫ મિનિટમાં સ્વયંસેવકો દ્વારા દોડવા માટે માર્ગદર્શન, દોડવાની પધ્ધતિ, માર્ગ અને સલામતીના સુચનો આપવામાં આવે છે પછી થાય છે દોડની શરૂઆત. દોડવાના માર્ગમાં નિયત સ્થળે સ્વયંસેવકો દિશાસુચક ઝંડા સાથે ઊભા જ હોય છે એટલે રસ્તો બદલાઇ જવાની કોઇ શક્યતા રહેતી જ નથી. દોડની શરૂઆતથી જ એક ફોટોગ્રાફર (સ્વયંસેવક) બધા જ દોડનારાઓના ફોટા પાડતો રહે છે. દોડના અંતિમ ચરણમાં દોડનારાઓના સ્નેહીજનો ખાસ કરીને ટેણીયાઓ અને સ્વયંસેવકો ઉત્સાહ વધારવા તાલીઓ અને બુમો પાડતા રહે છે. કદાચ આ ટેણીયાઓની બુમાબુમ દોડવીરો માટે પ્રોત્સાહક બને છે.

South Bank Parkrun

સાઉથ બેંક પાર્કરન – દોડ માટે તૈયાર

જેમ જેમ દોડનારાઓ દોડ પુરી કરે તેમ સ્વયંસેવક દોડનારનો નંબર બોલી તે નંબર આપે છે. આ નંબર સાથે દોડવા માટે લાગેલો સમય સંકળાયેલો હોય છે. આ નંબર અને બારકોડ પરથી દોડવીરની ઓળખાણ થાય છે. આ સમય બપોર થાય તે પહેલા વેબસાઇટ પર દેખાય છે અને દોડની શરૂઆતથી લઇને અંત સુધીના ફોટાઓ પણ ફેસબુક પર અપલોડ થઇ જાય છે. દોડ પુરી થયા પછી લોકો એકબીજાનો આભાર વ્યક્ત કરી કાં તો ઘરે જાય છે કાં તો બધા ભેગા મળી ચા/કોફી પીવા જાય છે. સંસ્થા દ્વારા સ્વયંસેવકોને જરૂરી તાલીમ અને માર્ગદર્શન અપાય છે જેથી તેઓ કાર્યદક્ષ રહે.

વિક્રમ સંવત ૨૦૬૯ ની ભારે શરૂઆત થઇ છે.

  • છેલ્લા બે અઠવાડિયાથી આ દોડમાં ભાગ લીધો અને બન્ને વાર મારી શ્રેણીમાં મારો ક્રમાંક છેલ્લેથી “પ્રથમ” જાળવી રાખ્યો 🙂
  • ૫ કિલોમીટર દોડવા માટે ગયા અઠવાડિયે ૩૩ મિનીટ અને આજે ૩૬ મિનીટનો સમય લાગ્યો 😦
  • હવેનું લક્ષ્ય છે દોડ સમયમાં સુધારો કરવો અને મહત્તમ કાર્યદક્ષતાથી દોડવું.
  • શુક્રવારે મોડી રાત સુધી સાલ્સા ડાન્સ કરવા કે ભટકવા જવું નહીં અને પુરતી ઊંધ લઇ આરામ કરવો.

>>>>>   વધુ ફોટાઓ જોવા ક્લીક કરો: ફેસબુક   <<<<<

આવી કોઇ અન્ય સંસ્થા ભારત કે અન્ય દેશમાં હોય તો અવશ્ય જાણ કરશો. આભાર.