સનસાઇન કૉસ્ટ અને નૂસા પ્રવાસ

બ્રિસ્બૅનમાં રહેતા લોકો માટે ગૉલ્ડ કૉસ્ટ અને સનસાઇન કૉસ્ટ નજીકમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ જેવા છે, બહારગામથી આવતા દરેક મહેમાનને આમાંથી એક જગ્યાએ તો અચુક લઇ જવામાં આવે છે. શનિ-રવિના દિવસોમાં પર્વતારોહણ અને નૌકાવિહાર માટે સનસાઇન કૉસ્ટ અમારું માનીતું સ્થળ છે.

નૂસા નદી

નૂસા નદી સનસાઇન કૉસ્ટ પાસે દરિયામાં મળે છે અને પ્રવાસ એકંદરે શાંત હોય છે. પર્યટકો માટે અહીં નૌકાવિહાર, હૉટલની સગવડ, ભોજન સગવડ, કેમ્પ સુવિધા, પર્વતારોહણ જેવી ભરપૂર વ્યવસ્થા છે. લોકો ખાસ અહીં હોડી ભાડે કરી માછલી પકડવા આવતા હોય છે. નદીની મધ્યમાં થોડા ટાપુઓ આવેલા છે જેમાં ચાલવાની ખુબ મજા છે. અમારી ખાસ પસંદ છે નૉટી-સાયકલ, જેને પાણીમાં ચાલતી સાયકલ પણ કહી શકાય. અહીં અમે નિયમિત નદી કિનારે હોડીમાં બેસી નજીકના ટાપુ ઉપર ચાલવા જઇએ છીએ. અહીં દરિયાઇ જીવસૃષ્ટી જોવાની મજા જ કાંઇ અલગ છે. અહીં અમારા સિવાયના મોટાભાગના લોકોને માછલીના પ્રકાર વગેરેની સામાન્ય સમજણ હોય છે. અહીં નદી અને દરિયાના સંગમસ્થાનને ઘણી હૉટલ, ભોજનસ્થળ અને બગીચાઓ આવેલા છે. ટેકરીઓની ટોચ પર જઇને દુર દુર સુધી જોવાનો આનંદ અનેરો હોય છે.

નૂસા નૅશનલ પાર્ક એ દરિયાકિનારે આવેલો પ્રખ્યાત નૅશનલ પાર્ક છે. અહીં દરિયાકિનારાની સમાંતર ચાલવા માટે ૧૫ કિલૉમીટરથી વધુ લાંબો રસ્તો બનાવેલ છે. અહીં કેટલાય ઉત્સાહી તંદુરસ્તીના ચાહકો હંમેશા દોડતા જોવા મળે છે. અહીં સમગ્ર રસ્તામાં ઇતિહાસ, ભુગોળ અને પ્રકૃતિની વિવિધ માહિતી પાટીયા પર વ્યવસ્થિત રીતે લખેલી છે.

બુડૅરીમનું ઝરણું રહેણાંક વિસ્તારની ખુબ જ નજીકમાં આવેલું છે. વરસાદ પડી ગયા પછી જ અહીં મુલાકાત લેવી જોઇએ જેથી ઝરણાંમાં ભરપુર પાણી હોય અને નાહવાનો આનંદ માણી શકાય.