બ્રિસ્બેનમાં ભારતીય ભોજન – ૧

આમતો મને તાજામાજા સ્વાદિષ્ટ ભાત, બ્રેડ બટર સિવાય ખાસ કંઇ બનાવતાં આવડતું નથી અને પરીવાર ઘરથી દુર હોવાથી જમવાના સમયે ચારેય બાજું હજારો પકવાનથી ભરપુર અન્નકૂટના દર્શન થાય છે. મોહનથાળ, સુખડી, ખમણ, ઢોકળાં, બટાકાનું રસાવાળું શાક, થેપલાં, ગુલાબજાંબુ અને પુરણપોળી રોજ સપનાંમાં આવે છે. આવા સંજોગોનો ફાયદો આસપાસની રેસ્ટોરન્ટવાળાઓ સારો થયો છે. બ્રિસ્બેનમાં ભારતીય ભોજન માટે વિવિધ રેસ્ટોરન્ટ્સની મુલાકાત લીધી અને કેટલાક સંસ્મરણો હજું તાજા છે. વિદેશોમાં ભારતીય રીતે રાંધેલા ભોજન સ્વાદની દ્રષ્ટીએ ત્રણ પ્રકારના છે.

હોટ – તીખું તમતમાટ
મીડીયમ – ભારતીયો માટે મધ્યમ, સાધારણ અને અનુકૂળ
માઇલ્ડ – ભારતીયો માટે મોળું તથા સ્થાનિકોની પસંદ

મસાલા આર્ટ

મસાલા આર્ટ

મસાલા આર્ટ

પંજાબનો સ્વાદ ખરા અર્થમાં માણવો હોય તો પેડિંગટન વિસ્તારની મસાલા આર્ટની મુલાકાત જરૂર લેવી જોઇએ. અહીં હંમેશા દિવસ હોય કે રાત પંજાબી ટેક્ષી ચાલકોની હાજરી અવશ્ય આંખે ઊડીને વળગશે. શાક (કરિ) પહેલેથી જ રાંધીને રાખેલુ હોય છે તેથી શક્ય હોય તેટલા સવારે ૧૧ વાગ્યે અથવા સાંજે ૭ વાગે જવાથી ગરમા ગરમ અને તાજું ભોજન મળે છે. અહિં લોકો પરીવાર સાથે ઓછા અને એકલ દોકલ વધુ આવે છે. અદ્યતન પંજાબી ગીતો અથવા વિડીયો અહીં ચોક્કસ જોવા સાંભળવા મળશે. દેખાવમાં રાચરચીલું ઓછું અને સાદી સરળ સજાવટ છે.
સ્થાનિક લોકોને ઘણીવાર ભોજનની વધુ પડતી ભારતીય બનાવટ પસંદ પડતી નથી માટે સંભાળ રાખવી. અહીં વાત ચીત હિંદીમાં કરો તો ય વાંધો નહિં. કામ કરનારા લોકો મળતાવડા છે જો વાતોએ ચડ્યા તો આખુ પંજાબ હાજર કરી દેશે. એકંદરે વ્યાજબી ભોજન અને સરળ અનુભવ કહી શકાય.

વેજી રામા

વેજી રામા

વેજી રામા

શાકાહારી ભોજન અને નાસ્તાપાણી માટે ક્વિન સ્ટ્રીટ (સીબીડી વિસ્તાર) પર આવેલું આ સાનુકૂળ સ્થળ છે. માયર સેંટરની નીચે આવેલ ખાઉધરા મોલમાં ટોળટપ્પાં મારતા અને સોફ્ટ ડ્રિંક્સના સિસકારા બોલાવવાની મજા લેવા અહીં ચોક્ક્સ આવવું જોઇએ. અહીં જાતજાતના ભારતીય અને વિદેશી શાકાહારી નાસ્તાઓની ભરમાર છે. દાળ-ભાત-શાક (કરિ), સમોસા, ભજીયા, વડાં, સલાડ, મિઠાઇઓ ઉપરાંત દક્ષિણ ભારતીય વાનગીઓ પણ મળી રહે છે. શાકાહારી નાસ્તા માટેનું આ ઉત્તમ સ્થળ છે. આજુબાજુના મોલમાં આંટોમારી નિરાંતે અહી બેસી નાસ્તાની જ્યાફત કરવાની ઘણી મજા પડે છે. આ દુકાનની આજુબાજુમાં થાઇ, ચાઇનીસ, કોરીયન, ઇટાલીયન, મેક્સીકન અને અરેબિક ભોજન સેવા આપતી ધણી જ દુકાનો છે. દરરોજ સાંજે ૪.૪૫ થી પ વાગ્યાની (શુક્રવારે સાંજે ૮.૪૫ થી ૯) વચ્ચે બધી જ વાનગીઓની કિંમત અડધી અથવા એક સાથે એક/બે/ત્રણ કે વધુ વાનગીઓ મફત મળે છે 🙂 દુકાન બંધ થવાની તૈયારી હોય ત્યારે વધારે માંગી લેવામાં શરમાવવું નહીં. 🙂

પંજાબી પેલેસ

પંજાબી પેલેસ

પંજાબી પેલેસ

આ રેસ્ટોરન્ટ ખાણીપીણી માટે પ્રખ્યાત એવા વેસ્ટ એન્ડ વિસ્તારમાં છે. મોટેભાગે સ્થાનિક લોકોના ધાડેધાડાથી ઘેરાયેલું અને મોટાભાગના કર્મચારીઓ હિંદુસ્તાની હોવાથી અલગ અનુભવ થાય છે. ભારતીય સ્વાદ ચાખવો હોય તો ઓર્ડર વખતે કહેવું કે “ભારતીય મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવવું”. આ બધા દુકાનવાળા ડુંગળી, ટામેટા કે અન્ય સલાડ મફત આપતાં નથી 😦 પણ આવકારવા માટે પાપડ મફત આપશે. દુકાનની અંદર દાખલ થતાં જ દિવાલો પર ચારેય બાજું રાજસ્થાની ભીંત ચિત્રો, હાથીના પૂતળા અને ભારતીય સંગીત સાથે પોતાના પણાનો અનુભવ થશે. ચારેય બાજું સુંદર રાચરચીલું હોવાથી ગર્વની લાગણી થશે. ઓર્ડર લેવા આવતાં છોકરા-છોકરીઓ મોટેભાગે વિદ્યાર્થીજીવનમાં હોવાથી વાતચીતમાં ઉત્સાહી જણાશે નહી પણ દરેક સુચનાનું અવશ્ય પાલન કરશે. બિલ આપતી વખતે હિંદી કે ગુજરાતીમાં કેમ છો? મજામાં? અને જાણે સાવ અજાણ્યા હોય તેમ બે ચાર સવાલો પુછવાથી દરેકના ચહેરા પર રોનક આવી જાય છે અને હોંશે હોંશે માહિતી જણાવશે.

ગોવિંદાસ પ્યોર વેજીટેરીયન રેસ્ટોરન્ટ

Govindas

ગોવિંદાસ પ્યોર વેજ રેસ્ટોરન્ટ

બ્રિસ્બેનમાં આવ્યા પછી આ રેસ્ટોરન્ટની મુલાકાત વારંવાર લીધી. ગોવિંદાસ મારી મનગમતી રેસ્ટોરન્ટ્સમાંની એક છે. બ્રિસ્બેનમાં છેલ્લા વીસ વર્ષથી આ રેસ્ટોરન્ટ શુધ્ધ, સ્વાદિષ્ટ અને શાકાહારી ભોજન સુવિધા આપે છે. અહીંના રસોઇ નિષ્ણાત દ્વારા શાકાહારી રાંધણ કળાના વર્ગો પણ નિયમિત લેવામાં આવે છે. હાલમાં આ રેસ્ટોરન્ટની ત્રણ શાખાઓ છે – વેસ્ટ એન્ડ, સીટી અને સ્ટોન્સ કોર્નર. સ્વાદની દ્રષ્ટીએ જોઇએ તો ભોજન ભારતીય શૈલીનું ઓછું અને પશ્ચિમી શૈલીનું વધારે લાગશે. એટલે મસાલેદાર કે ચટાકેદાર હોતું નથી પણ શુધ્ધ અને સાત્વિક હોય છે.
દર રવિવારે સાંજે ૫ થી ૭ સત્સંગ સભા (નૃત્ય યોગ સાથે) નિર્ધારીત હોય છે. જેમાં પ્રવચન અને ધુનનો સમાવેશ થાય છે. અંતમાં માત્ર ૫ ડોલરમાં પ્રસાદ (ભાત, શાક, સલાડ, મિઠાઇ, જ્યુસ) પણ હોય છે. જે વારંવાર – અનલિમિટેડ લઇ શકાય છે 🙂 અને મારે માટે વારંવાર જવાનું કારણ છે.

રીવરવોક તંદુરી

રીવરવોક તંદુરી

રીવરવોક તંદુરી

ભારતીય અને મલેશિયન ભોજનની સુવિધા માટે આ રેસ્ટોરન્ટ પ્રસિધ્ધ છે. હાઇગેટ હીલ પર આવેલ આ રેસ્ટોરન્ટ મારા ઘરની નજીક હોવાથી ઘણી વાર તૈયાર શાક (કરિ) અહીંથી ખરીદું છું. રહેણાંક વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ હોવાથી ભીડ ઓછી અને પારિવારીક ભોજન માટે બુકીંગ કરાવવાની જરૂર પડતી નથી. અહીં ગોઠવેલા ટેબલોની સંખ્યા ઘણી જ વધારે છે એટલે આજુબાજુ બધું ખાલી ખાલી જ લાગશે. અહીં રસોડામાંથી પંજાબી, તમિલ અને તેલુગુ ગીતોની રમઝટ સામાન્ય કરતા ઊંચા અવાજે સાંભળી શકાશે. માલિક તથા પીરસનારા કર્મચારીઓ તમિલ ભાષી (સિંગાપોર) છે જો તમિલમાં સારી-સારી વાતો કરી ચાપલુસી કરતા આવડતું હોય તો મોટા ડબ્બામાં ખાવાનું નાના ડબ્બાની કિંમતે મળી રહે છે 🙂 ગુગલ પર તમિલ ભાષાના થોડા થોડા શબ્દો અને વાક્યો દર વખતે ગોખી લઉં છું અને તેથી ડબ્બો હંમેશા મોટો જ રહે છે. દરેક વખતે દિલથી બોલવું કે “ગઇ વખતે ભોજનમાં ખુબ જ આનંદ થયો” અને માલિક જવાબમાં કહેશે “થેંક્યુ બ્રધર”.

બસ હવે ઓડકાર આવી ગયો અને ધરાઇ ગયો અન્ય રેસ્ટોરન્ટ્સ ટુંક સમયમાં નવી પોસ્ટમાં.

11 thoughts on “બ્રિસ્બેનમાં ભારતીય ભોજન – ૧

    1. અમિત પટેલ Post author

      ચોક્કસ બ્રિસ્બેન, ગોલ્ડકોસ્ટ, ગ્રેટ બેરીયર રીફ અને ઉત્તર ક્વિન્સલેન્ડ ફરવા અમેરીકન લોકો કાયમ આવતા હોય છે. મારેય ઘણી જગ્યાએ ફરવાનું બાકી છે. તમે આવશો તો મજા પડશે.

  1. પિંગબેક: વિલાયતી ભારતીયો | પટેલ પરિવાર

  2. પિંગબેક: બ્રિસ્બેનમાં ભોજન સંઘર્ષ | પટેલ પરિવાર

Leave a reply to અમિત પટેલ જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.